ઘટસ્ફોટ@દાહોદ: જીએલપીસીના 2 કર્મચારી લાયકાત વગર નોકરીમાં ઘૂસ્યા, પછી શરૂ કર્યો યોજનાનો વેપાર

 
GLPC

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં મિશન મંગલમ યોજના જાણે ઘરની પેઢી હોય તેમ વહીવટ ચાલી રહ્યો છતાં કોઈ કહેનાર નથી. આ સવાલ એટલા માટે ઉભો થયો કે, કેટલાક મહિનાઓ અગાઉ લાયકાત વગરના કેટલાક જીએલપીસીની નોકરીમાં ઘૂસી ગયા હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ છતાં તપાસ કરવાને બદલે લાયકાત વગરના ઈસમોને વિશેષ "જવાબદારી" આપી સાચવી લેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોતે લાયકાત વગરનો હોવાથી ગમે ત્યારે છૂટો થવાના ડરથી એક કર્મચારી રાજીનામું આપી બાજુનાં જિલ્લામાં નોકરીમાં લાગી ગયો હતો. એક નોકરી છોડીને પોતાના કામે લાગી ગયો જ્યારે 2 કર્મચારી આજેપણ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખા હેઠળ નોકરી કરી રહ્યા છે. આ 4 કર્મચારી લાયકાત વગરના હોવાની ફરિયાદ પણ ખુદ જીએલપીસી માંથી થઈ હતી, જોકે ના તપાસ થઈ કે ના તો પ્રમાણપત્ર લેવામાં આવ્યા. આવો જાણીએ દાહોદ જિલ્લામાં મિશન મંગલમમાં કોણ કેવું મિશન પાર પાડી રહ્યું છે.......

દાહોદ જિલ્લામાં આવેલી ગ્રામ વિકાસ એજન્સીમાં જીએલપીસીની યોજના માટે મિશન મંગલમ શાખા કાર્યરત છે. જેમાં જે તે વખતે કે જરૂરિયાત મુજબ તાલુકાથી લઈ જિલ્લામાં વિવિધ પોસ્ટ ઉપર કર્મચારીઓની ભરતી આઉટસોર્સથી થઈ હતી, થતી રહે છે. આ ઘટનાક્રમમાં કુલ 4 વ્યક્તિ હોદ્દા મુજબ લાયકાત નહિ ધરાવતા હોવા છતાં નોકરીમાં ઘૂસી ગયા હતા. આ વાતનો ઘટસ્ફોટ ગત મે 2022 દરમ્યાન ખુદ જીએલપીસી માંથી થયો હતો અને એમડીને ફરિયાદ પણ થઇ હતી. આ 4 કોણ છે તે પણ જાણીએ, અમીત, સોનલ, માધુરી અને ચિરાગ. જોકે અમીતને વાતની ગંધ આવતાં બિલ્લી પગે નોકરી છોડી બાજુની જિલ્લા ગ્રામ એજન્સીમાં અન્ય હોદ્દા ઉપર નોકરીએ ચડી ગયો હતો. જ્યારે માધુરી નોકરી છોડી પોતાના કામે લાગી ગઈ હતી. હવે બાકીના 2 ચિરાગ સંગાડા અને સોનલ ચારેલ આજે પણ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખા હેઠળ અલગ અલગ જવાબદારીમાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચિરાગ સંગાડા લીમખેડા તાલુકામાં ટીએલએમ છે, હવે આ હોદ્દા માટે માસ્ટર ડીગ્રી અને અનુભવ જોઈએ. જ્યારે ચિરાગ નોકરી ઉપર લાગ્યો ત્યારે બેચલર ડિગ્રી જ ધરાવતો હતો. આ તરફ સોનલ ચારેલ એપીએમ તરીકે નોકરી કરે છે, ત્યારે આ હોદ્દા માટે પણ માસ્ટર ડીગ્રી જોઈએ પરંતુ સોનલ નોકરીમાં લાગી ત્યારે બેચલર ડિગ્રી જ ધરાવતી હતી. આ તમામ વિગતો સાથેની ફરિયાદ જીએલપીસીના તત્કાલીન એમડી ભાર્ગવી દવે સમક્ષ આવી હતી.

સૌથી મહત્વની વાત એ પણ છે કે, ચિરાગ અને સોનલ ચારેલની લાયકાત બાબતે જીએસપીસીએ તપાસ કરી નથી કે તેમની યોગ્યતા બાબતે આજસુધી ડાયરેક્ટર કે ડીડીઓ તરફથી ખરાઇના પ્રમાણપત્ર પણ રજૂ થયા નથી. આટલું જ નહિ આ બંનેને ભુરિયાના રાજમાં "વિશેષ જવાબદારી" મળી હોય તેમ યોજનાની પારદર્શક અમલવારીને બદલે મોટા મિશન પાર પાડી રહ્યા છે. જીએલપીસી ચેરમેન એવા ગ્રામ વિકાસ કમિશ્નર જો આ બંનેની લાયકાત બાબતે તપાસ કરે તો અત્યાર સુધીની લાખોની રિકવરી થઈ શકે તેવી શક્યતા છે. આટલું જ નહિ છેલ્લા 2 વર્ષની રિવોલ્વિગ ફંડની ગ્રાન્ટની પણ તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ, બેદરકારી, નિષ્કાળજી કે અનિયમિતતા મળી આવે તેમ છે.