રાજકારણ@મહેસાણા: લ્યો બોલો 2 અપક્ષ ઉમેદવારે હવે ભાજપને સમર્થન જાહેર કર્યું, બંનેના સમજૂતી કરાર વાયરલ

અટલ સમાચાર, મહેસાણા
ગુજરાત વિધાનસભાનું ચૂંટણીમાં આ વખતે મહેસાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ વખતે ઘણા લોકોએ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં હવે ઊંઝાના બે અપક્ષ ઉમેદવારોએ કરાર લેખ લખી ભાજપને ટેકો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે.

ઊંઝામાં બે અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપ તરફી સમજૂતી કરાર લેખ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. રબારી રમેશભાઈ અને ઠાકોર અરવિંદજી નામના અપક્ષ ઉમેદવારોએ સ્ટેમ્પ ઉપર કરાર લેખ કર્યો છે. સમજૂતી કરાર લેખ કરી ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન અપક્ષ ઉમેદવારોને ભાજપના વિકાસ કાર્યોનો અહેસાસ થયો હોવાનો કરાર લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બંને ઉમેદવારોએ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાર લેખ કરી આપ્યા હતા. રાજનીતિનું એક નવું સ્વરૂપ ઊંઝામાં જોવા મળ્યું છે. અપક્ષ ઉમેદવારે સ્ટેમ્પ પેપર ઉપર સમજૂતી કરાર લેખ કર્યાની ઘટનાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.