મુશ્કેલી@બારડોલી: ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક પાણી છોડાયુ, 10 ગામોનો સીધો સંપર્ક કપાયો

 
Bardoli

અટલ સમાચાર, ડેસ્ક

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક વધી દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ કોઝ વે ડૂબી ગયો હતો. સિઝનમાં પ્રથમ વાર આ કોઝ વે પર પાણી ફરી વળ્યાં છે. જેથી વાહન વ્યવહાર માટે કોઝ વે બંધ કરાયો છે. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. ઓવરફ્લો થયેલા કોઝ વેને જોવા માટે પણ લોકો ઉમટી રહ્યાં છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતી ભાગ રૂપે આજે વહેલી સવારથી તબક્કાવાર પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાં પાંચ લાખ ક્યુસેક પાણી આવક થતાં ડેમ તંત્ર એલર્ટ બન્યું છે. ડેમની સપાતી પણ 343 ફૂટએ પહોચી ગઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી હવે પાણી છોડવાની માત્રા વધારી દેવાય છે. હાલ 2.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સૌ પ્રથમ બારડોલીનો હરિપુરા કોઝ વે પ્રથમ પ્રભાવિત થઈ જાય છે. ઉકાઈ ડેમનું પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝ વે પર પાણી ફરી વડે છે. કોઝ વે પર અવર જ્વર બંધ થઈ જાય છે.

લો લેવલ કોઝ વે હોય જ્યારે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે આ હરિપુરા કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેથી નોકરિયાત વર્ગ, આરોગ્યને લાગતી સેવાઓને માઠી અસર થાય છે. હાલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા કોઝ વે તો બંધ થઈ ગયો છે. હાલ પણ કોઝ વે પારના 10થી વધુ ગામોને કડોદ, બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક પણ કપાયો છે.