ચેતજો@ગુજરાત: PSI સાથેની મિત્રતા જ્વેલર્સને 2.25 લાખમાં પડી, છેતરપિંડીની મોટી ઘટના

 
Rajkot PSI

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના રામનગરના જ્વેલરી શોપના માલિક પુનીત સુનીલ લાલવાણી (ઉ.વ. 26 રહે. સિંધીન કોલોની, રામનગર, રાંદેર રોડ) ને PSI સાથેની દોસ્તી ભારે પડી છે. કમર પર રિવોલ્વર લટકાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવામાં આવેલા સંખ્યાબંધ ફોટાથી અંજાયને પુનીતે હરદેવસિંહ રાયજાદાને ફોલો કરવાનું શરૂ કર્યુ હતું. ખાખી વર્દીમાં સજ્જ પોલીસ ઓફિસર સાથે મિત્રતા થઇ હોવાથી પુનીત ખુશખુશાલ હતો અને મેસેન્જર પર વાતચીત કરતા હતા. 

આ દરમિયાનમાં ગત 10 ઓગસ્ટે હરદેવસિંહે પુનીતને કોલ કરી પોતે સુરત આવ્યો છે એમ કહી અડાજણના મધુવન સર્કલ નજીક ઇન્ટરનેશનલ હોટલમાં મળવા બોલાવ્યો હતો. જયાં હરદેવસિંહે પોતે બહુ વગદાર અને પૈસાપાત્ર તથા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર હોવાની ઓળખ આપી હતી. 

આ તરફ એકાદ કલાકની મુલાકાત બાદ હરદેવસિંહે પુનઃ કોલ કરી તમે ધંધાર્થે આંગડિયા કરો છો, મારે તમારી હેલ્પ જોઇએ છે એમ કહી બે દિવસમાં પૈસા પરત કરવાનું કહી રૂ. 2 લાખનું આંગડિયું મોરબી ખાતે કરાવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે પૈસાની ઉઘરાણી કરતા હરદેવે મેસેજ કર્યો હતો કે ડોન્ટ વેરી, હું પહોંચીને કરાવી દઇશ. પરંતુ રૂ. 2 લાખ આપ્યા ન હતા અને બાતમીદારને પૈસા આપવાના છે એમ કહી બીજા રૂ. 25 હજારનું પેટીએમ કરાવ્યું હતું. રૂ. 2.25 લાખ પરત આપવા હરદેવસિંહે પુનીતની બેંક ડિટેઇલ્સ મંગાવી રૂ. 2 લાખ ટ્રાન્સફર કર્યાનો એનઇએફટીનો સ્ક્રીનશોટ મોકલાવ્યો હતો.

જોકે પરંતુ માત્ર 1 રૂપિયો જ પુનીતના એકાઉન્ટમાં જમા થયો હતો. ત્યાર બાદ મારા એકાઉન્ટમાંથી પૈસા કપાય ગયા છે, બેંકમાં રજા છે બે દિવસમાં જમા થઇ જશે એવા વાયદા કર્યા બાદ ફોન રિસીવ કરવાનું કે મેસેજનો રિપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું. પરિણામે પુનીતે હરદેવસિંહ રાયજાદા વિરૂધ્ધ સુરત પોલીસ કમિશ્નર, રાજયના પોલીસ વડા અને ગૃહમંત્રીને અરજી કરી છે.