કાર્યવાહી@ગુજરાત: કડીના વેપારી સાથે ઠગાઇ અને લૂંટ કરનાર 2 ઈસમ ઝડપાયા, જાણો સમગ્ર કેસ

 
Kadi

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહેસાણાના કડીના વેપારી સાથે ડોલર બદલવાના બહાને ઠગાઈ અને લૂંટ કરનાર 2ની ધરપકડ છે. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જોવા મળતા આરોપી અમિત તળપદા અને યોગેશ ઉદવાની છે. મૂળ ખેડાના નડિયાદના રહેવાસી આ આરોપીએ એક વેપારી પાસેથી રૂ 6.90 લાખની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે.

 

મહેસાણાના કડીના વેપારી ચાણક્ય પટેલને આરોપીઓએ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. તેઓ USમાં રહેતા એક સાધુના સેવક છે. અને પોતાનું નામ જગદીશભાઈ જણાવ્યું હતું અને તેમની પાસે 10 હજારની અમેરિકન ડોલર છે અને તેઓને ડોલરને રૂપિયામાં બદલવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા. એ ડોલરનો વીડિયો પણ વેપારીને બતાવ્યો હતો. જેથી વિશ્વાસમાં આવેલા વેપારી ચાણક્ય પટેલ રૂ 6.90 લાખની રોકડ લઈને ડોલર બદલવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધામતવણ ગામની સિમ નજીક પહોંચ્યા તો આરોપીએ વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. 

આ તરફ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આ બન્ને આરોપીને ખેડાના નડીયાદથી ધરપકડ કરીને લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ લૂંટનો માસ્ટર માઈન્ડ અમિત તળપદા છે. જેની વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશન સહિત બે ગુના નોંધાયા છે. જ્યારે આરોપીના શામળ ગામમાં આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી છેતરપીંડી અને લૂંટ કરતી ટોળકી સક્રિય હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જેથી અમિત અને યોગેશ જેવા અન્ય પણ આરોપીઓ આ પ્રકારે ઠગાઈ અને લૂંટ કરી હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી. ગ્રામ્ય પોલીસે લૂંટ અને ઠગાઈ કેસમાં બંને આરોપી અમિત અને યોગેશની ધરપકડ કરીને મોબાઈલ, બાઈક અને રોકડ સહિત રૂ 7.23 લાખની રોકડ જપ્ત કરી છે. આ આરોપીએ અન્ય કેટલા ગુના આચર્યા છે તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.