અકસ્માત@ધાનેરા: મામેરું ભરી સાંચોર જતાં માળી પરિવારનું પીકઅપ ડાલુ પલટ્યુ, 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત

 
Accident

અટલ સમાચાર, પાલનપુર 

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ડીસાથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જઈ રહેલા સાંચોરના માળી પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા પાસે સર્જાયેલા અકસ્માતમાં સવાર 20થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધાનેરા અને ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાથમિક માહિતી મુજબ સાંચોરનો માળી પરિવાર ડીસા ખાતે લગ્ન પ્રસંગે મામેરુ ભરવા માટે આવ્યા હતો. આ તરફ લગ્નનો પ્રસંગ પતાવી પોતાના પરિવાર સાથે પિકઅપ જીપડાલામાં પરત જઈ રહ્યા હતા. તે સમયે ધાનેરા નેનાવા રોડ પર અચાનક રોડ વચ્ચે આવી ગયેલા બાઈક ચાલકને બચાવવા જતાં જીપડાલાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપડાલુ પલટી ખાઈ જતા ગાડીમાં સવાર 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો અને સગા સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા તેમજ ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડતા માળી સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.