ભ્રષ્ટાચાર@સંતરામપુર: મનરેગા હેઠળ 22 લાખનું કામ કર્યું છતાં લેબર ઝીરો, ફોરેસ્ટ સાથેના કન્વર્ઝન્સમાં કરી કળા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંતરામપુર આમ તો સંત સરીખી ભૂમિ લાગે પરંતુ રાજ્ય કેન્દ્ર સરકારની યોજનામાં ભયંકર લાલિયાવાડી કરીને સંત ભૂમિને શું બગાડવામાં આવી રહી ? મનરેગા યોજના લેબર, રોજગાર માટે હોવા છતાં ઝીરો ખર્ચના કામો કરી 100% રકમ મટીરીયલ પાછળ ખર્ચાય છે. 22 લાખથી વધુ રકમનું કામ મનરેગા અને ફોરેસ્ટે ભેગાં મળીને કર્યું પરંતુ એકપણ રૂપિયો લેબર પાછળ ખર્ચાયો નથી. 22 લાખના આખા કામની તમામ રકમ મટીરીયલ પાછળ ખર્ચી દીધી છે. આવું એક કામ નહિ પરંતુ અનેક કામોમાં ભયંકર ભ્રષ્ટચાર હોવાનું સામે આવ્યું છે. કાયદો રોજગારી માટે છતાં ખર્ચ મટીરીયલ પાછળ કેમ કરવામાં આવી રહ્યો તે સૌથી મોટો સવાલ છે.
મહીસાગર જિલ્લામાં શું મનરેગામાં ભ્રષ્ટચારનો સાગર છલકાયો છે ? આ સવાલ એટલા માટે કે, અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પ્રાથમિક તબક્કે સંતરામપુર તાલુકામાં જ ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો મળી આવી છે. તાલુકાના ગામમાં મનરેગા અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત કામમાં 22 લાખથી વધુનો ખર્ચ કરી કામ પૂરું કર્યાનું ચોપડે બતાવી દીધું છે. હકીકતમાં આ 22 લાખનાં કામમાં ઝીરો લેબર છે અને તમામ રકમ મટીરીયલ પાછળ વાપરી દીધી છે. અન્ય એક ગામમાં પણ 5 લાખ, 3 લાખના કામોમાં રોજગારી ઝીરો, જ્યારે 100% રકમ મટીરીયલમાં ખર્ચી દીધી છે. મનરેગા એક્ટની જોગવાઈ મુજબ એવું એકપણ કામ ના હોય કે જેમાં રોજગારી ઝીરો હોય.
સમગ્ર મામલે સંતરામપુર તાલુકાના એપીઓ અજય પટેલને પૂછતાં જણાવ્યું હતું કે, એવું કોઈ કામ ના હોય કે જેમાં લેબર ખર્ચ ઝીરો હોય. હવે સમજો કે, માત્ર પ્રાથમિક તપાસમાં જ 22 લાખના કામોમાં આટલો ભયંકર ભ્રષ્ટચાર સામે આવ્યો તો અજયભાઇના તાલુકામાં મનરેગાના કામોમાં કેટલી પારદર્શકતા હશે ? એ શોધવું મુશ્કેલ છે. મનરેગા સંલગ્ન જાગૃત આગેવાનોએ જણાવ્યું હતું કે, નિયામકની ભૂમિકા આ બાબતે સમજવી પડે, બધી જ બાબતોની ખબર હોવા છતાં નિયામક ઠાકોર કેમ આંખ આડા કાન કરે છે તે ગંભીર સવાલ છે.
આ પણ જાણશો તો ચોંકી જશો
22 લાખના કામમાં એકપણ રૂપિયો લેબર ખર્ચ ના હોવાથી પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ બને છે. આથી મનરેગા કાયદાની સ્પષ્ટ જોગવાઇ છે કે, તાત્કાલિક અસરથી તપાસ અને તુરંત ફરિયાદ દાખલ કરવી. આટલો ગંભીર વિષય છતાં નિયામક ઈરાદાપૂર્વક બેદરકારી દાખવતાં હશે ? એ પણ મોટો સવાલ છે.