અપડેટ@ગુજરાત: કબૂતરબાજી કૌભાંડ મામલે રાજ્યના 22 લોકોની ઓળખ થઈ, જાણો વધુ

 
America

અટલ સમાચાર, ડેસ્ક

ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા 96 ગુજરાતી સહિત 303 ભારતીયોના વિમાનને ફ્રાંસના વાટ્રી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું. કબૂતરબાજી કૌભાંડના આરોપને લઇને તપાસ કરવામાં આવી હતી અને તે પછી હવે આ વિમાનને ભારત પરત મોકલવામાં આવી રહ્યું છે. આ વચ્ચે માનવ તસ્કરીને લઇને ગુજરાતના 22 લોકોના નામ સામે આવ્યા છે. સીઆઇડી ક્રાઇમની ટીમે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

સીઆઇડી ક્રાઇમની ટીમે માનવ તસ્કરીની તપાસ હાથ ધરતા ગુજરાતના 22 લોકોના નામ સામે આવ્યા છે. આ લોકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના એજન્ટ મારફતે ગેરકાયદેસર અમેરિકા જતા હોવાનું ખુલ્યું હતું. CID ક્રાઇમે એજન્ટ મારફતે અમેરિકા ગયેલા લોકોના પરિવારને CID ક્રાઇમનો સંપર્ક કરવા અપીલ કરી છે.

260 જેટલા ભારતીયોને લઇને જતુ પ્રાઇવેટ જેટ ઇંધણ ભરાવવા પેરિસ એરપોર્ટ પર લેન્ડ થયું હતું અને દૂબઇથી આવેલા પ્રાઇવેટ જેટમાં માનવ તસ્કરીની આશંકાને પગલે પેરિસ પોલીસે પ્લેનને કબ્જામાં લીધું હતું. ફ્રાંસની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ યુનિટ દ્વારા દૂબઇથી ભારતીયોને લઇને આવેલા ચાર્ટર્ડ પ્લેનની તપાસ હાથ ધરી હતી. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર, ચૌધરી અને રાજપૂત સમાજના હોવાનું જાણવા મળ્યું છે. દૂબઇથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નિકારાગુઆ લેન્ડિંગ બાદ મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરીનો પ્લાન હતો.

ફ્રાંસની સરકારે મુસાફરોને કસ્ટડીમાં લઇને માનવ તસ્કરીના એન્ગલથી તપાસ કરી છે. રવિવારે ફ્રાંસની કોર્ટે આ મામલે સુનાવણી કરી છે. સુનાવણી દરમિયાન ચાર જજોએ કસ્ટડીમાં લેવામાં આવેલા મુસાફરોને સવાલ કર્યા હતા. ફ્રાંસના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરોમાં કેટલાક હિન્દી ભાષી અને કેટલાક તમિલભાષી લોકો હતા. સુનાવણી પછી જજોએ વિમાનને રવાના કરવાના આદેશ આપ્યા હતા અને તપાસ પ્રક્રિયામાં અનિયમિતાનો હવાલો આપીને સુનાવણી પણ કેન્સલ કરી દીધી હતી. મહત્ત્વપૂર્ણ છે કે વિમાનમાં 11 સગીર પણ સવાર હતા.