કાર્યવાહી@ગુજરાત: ચૂંટણી પહેલા રાજ્યભરમાંથી 25 હજાર લોકોની ધરપકડ, જાણો શું છે કારણ ?

 
Gujarat Police Chaking

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, અગાઉ 3 નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અહીં અત્યાર સુધીમાં 12965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં 70,000 સૈનિકો સામેલ થશે. આમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.