ચોંક્યાં@અમદાવાદ: એરપોર્ટ પર 27 ફ્લાઇટ ઉડાન ન ભરી શકી, 4 હજાર પેસેન્જર અટવાયા

 
Ahemdabad Airport

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ પર એક એવી ઘટના બની જેના કારણે 4 હજાર પેસેન્જર અટવાયા હતા. જ્યારે 27 ફ્લાઇટ 2 કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી. જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં પેસેન્જર્સ પણ ભેગા થઇ ગયા હતા અને અફરાતફરી જોવા મળી હતી. કેટલાક પેસેન્જર્સે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટ મોડી થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઇન્ડિગોનું ચેકઇન સર્વર ઠપ થતાં મુસાફરો અટવાયા હતા. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. આખા દેશમાં ઇન્ડિગોની નેવીટાયર સિસ્ટમ ઠપ થઇ જતાં ચેકઇન સર્વર ધીમું પડ્યું હતું. જેના લીધે બોર્ડિંગ પાસ ઇશ્યુ ન થતાં ફ્લાઇટ ટેકઓફ થવામાં મોડું થયું હતું. આ ખામીના કારણે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત 27 ફ્લાઇટ લગભગ બે કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી.

 

આ ક્ષતિ સર્જાતા એરપોર્ટ પર મોટી સંખ્યામાં પેસેન્જર્સની ભીડ એકઠી થઇ ગઇ હતી. લગભગ 4 હજાર પેસેન્જર્સ અટવાતાં એરપોર્ટ પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. લગેજ ચેકઇનનું સર્વર ખોટવાતા બોર્ડિંગ પાસની કામગીરી મેન્યુઅલી કરવી પડી હતી. જેના કારણે ટર્મિનલ પર મુસાફરોની લાંભી કતારો જોવા મળી હતી. મેન્યુઅલી બોર્ડિંગ પાસમાં વિલંબ થતાં પેસેન્જર્સ બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યા ત્યારે ફ્લાઇટ ઉડી જતાં પેસેન્જર્સ રોષે ભરાયા હતા અને હંગામો કર્યો હતો.

શનિવારે બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ પર આ ખામી સર્જાઇ હતી. આ ખામીને લીધે સૌથી પહેલા ગોવાની ફ્લાઇટ અટવાઇ હતી અને એક કલાક બાદ ઉડાન ભરી શકી હતી. આ ખામી સાંજના સમયે દૂર થતાં મોડી રાત સુધી ફ્લાઇટ્સ મોડી પડી હતી. જેના લીધે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.