રાજનીતિ@ગુજરાત: ઉત્તરના 2 અને મધ્યના 1 મળી 3 અપક્ષ MLAએ ભાજપને સમર્થન જાહેર કર્યું

 
Indipandat MLA

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. 

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63,899 મતો મળ્યા હતા. શપથ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. 

અરવલ્લીની બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલાની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તમામને હરાવી દીધા હતા.

આ તરફ ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનજી ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા.