હડકંપ@પાટણ: શિહોરી આઇટીઆઇના કર્મચારી સહિત 3 એજન્ટો એસીબીના ઝપટમાં, મદદ ભારે પડી
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
લાંચની ટ્રેપમાં વાહન લાયસન્સની કામગીરી કરતાં એક કર્મચારી અને એકસાથે 3 એજન્ટો ઝપટમાં આવતાં આઇટીઆઇ અને આરટીઓ આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતેની આઇટીઆઇ ખાતે એક અરજદારે વાહન લાયસન્સ મેળવવા કોમ્પ્યુટરની પરિક્ષા માટે સંપર્ક કર્યો હતો. જેમાં ઈન્સ્ટ્રક્ટર માટે ત્રણ એજન્ટો લાંચનુ સેટિંગ્સ પાડી રહ્યા હતા. જેમાં અરજદારે શરૂઆતમાં 4,000 અને પછીથી 4,000 આપતા દરમ્યાન મહેસાણા એસીબી ટીમે ઝડપી લીધા હતા. આઇટીઆઇના કર્મચારી અને 3 એજન્ટો આરોપી બનતાં બનાસકાંઠા સહિત પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ શહેરમાં બુધવારે મોડી સાંજે થયેલી એસીબી ટ્રેપની અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં થાય તેવી નોબત બની છે. ઘટના એવી છે કે, સ્થાનિક નાગરિકને લર્નિંગ લાયસન્સ કઢાવવાનું હોવાથી શિહોરીની આઇટીઆઇ ખાતે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો હતો. અહિં કોમ્પ્યુટર ટેસ્ટ માટે નાગરિકે માહિતી અને પૂછપરછ કરતાં વિપુલ રમેશભાઇ ઠક્કર નામના એજન્ટે પોતાને આઇ.ટી.આઇમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતાં મનોજ ડામરાભાઇ કુંભાર સાથે સેટિંગ્સ હોવાનું કહ્યું હતુ. આવુ જણાવીને અરજદાર પાસે રૂ.૮૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી અરજદારે વિપુલ રમેશભાઇ ઠક્કરને રૂ.૪૦૦૦ ઓનલાઇન ફોન પે થી આપી દીધા હતા. આ પછી બાકીના લાંચના નાણા રૂ.૪૦૦૦ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો.
આથી બુધવારે મહેસાણા એસીબી ટીમે લાંચના છટકાનુ આયોજન ગોઠવી દીધું હતુ. આ દરમિયાન વિપુલ ઠક્કર નામનો એજન્ટ રૂ.૪૦૦૦/- રોકડા લાંચ પેટે સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયો હતો. સૌથી મોટી વાત એ આવી કે, આરોપી ઈન્સ્ટ્રક્ટરને લાંચની રકમ આપવા માટે પૂર્વ આયોજિત રીતે બીજા બે એજન્ટ મિલાપ ઠક્કર અને ભાવિક પ્રજાપતિએ અરજદારનુ કામ કરી આપવા વિપુલ ઠક્કર નામના એજન્ટની લાંચની માંગણીમાં મદદગારી કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં લાંચિયા ઈન્સ્ટ્રક્ટર સાથે વધુ 3 એજન્ટો પણ આરોપી બનતાં ખળભળાટ મચી ગયો છે. એસીબીએ આરોપીઓની અટકાયત કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.