દુ:ખદ@પાટણ: શાળાએથી છૂટી વોકળામાં પાણી પીવા જતાં 3 બાળકો ડૂબી જતાં મોત, પરિવાર સહિત ગામમાં શોક

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જિલ્લામાં એક દુ:ખદ ઘટનામાં ત્રણ બાળકોનાં મોત થતાં ગામ આખામાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં આવેલા વોકળામાં પાણી પીવા જતા અકસ્માતે પડી ગયેલા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. આ તરફ ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ત્રણ બાળકોનાં મોતથી પરિજનો શોકમગ્ન બન્યા છે. 

પાટણ સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે ધોરણ આઠમાં ભણતા ત્રણ મિત્રોનું એકસાથે નિધન થયું છે. વિગતો મુજબ બપોરના સમયે શાળાએથી છૂટ્યા બાદ આ ત્રણેય પોત પોતાના ઘરે સ્કૂલ બેગ મૂકીને સીમ વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. આ દરમ્યાન પાણીની તરસ લાગતા જનીપુર પાસે આવેલ સુજલામ સુફલામ નજીકના વોકળામાં પાણી પીવા જતા પગ લપસતા ત્રણેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમ્યાન ગામલોકોને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની મદદથી બાળકોને વોકળા માંથી બહાર કાઢ્યા હતા. સુજનીપુર ગામના સીમ વિસ્તારમાં આવેલા વોકળામાં પાણી પીવા જતા જીવ ગુમાવેલ ત્રણ માસૂમો પૈકી મોન્ટુ કાંતિલાલ ચમાર ઉંમર વર્ષ 14, ભરવાડ સચિન રામાભાઇ ઉંમર વર્ષ 14 અને વાલ્મિકી જયેશ હરદેવભાઇ ઉંમર વર્ષ 14 હોવાનું જાણવા મળ્યું છે. 

નોંધનીય છે કે, આ ઘટનાને લઈ સુજનીપુર ગામમાં અને મૃતક બાળકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ તરફ વોકળામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નિપજ્યા બાદ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં મૃતક બાળકોના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.