ખળભળાટ@વિજાપુર: આરોપીઓની જેલ નહિ બદલવા નાયબ મામલતદાર સહિતના 3 કર્મચારીએ લાંચ માંગી, પકડાઇ ગયા

 
Vijapur Mamlatdar Office
મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં આજે થયેલી એસીબીની સફળ રેડની ઘટનાથી ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

આજસુધી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે સંખ્યાબંધ ભ્રષ્ટાચારીઓને પકડ્યા અને જાગૃત નાગરિકોએ પણ મોટી મહેનત કરી હોવાના અહેવાલો આવી ગયા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં આજે થયેલી એસીબીની સફળ રેડની ઘટનાથી ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓને જેલ બદલવાની પ્રક્રિયા મામલે લાંચ લેતાં પોલીસ કર્મચારીઓ નહિ પરંતુ મામલતદાર કચેરીના કર્મચારીઓ પકડાઇ ગયા છે. વિજાપુરથી મહેસાણા જેલ ટ્રાન્સફર નહિ કરવા સામે કારકૂન, નાયબ મામલતદાર અને પટાવાળાની આખી ટોળકી 15હજારની લાંચમાં આરોપી બની છે. પટાવાળાએ કારકૂનના કહેવાથી લાંચ લીધી, જેમાં નાયબ મામલતદારની પણ ભાગીદાર પકડી ગાંધીનગર એસીબી ટીમે ત્રણેય વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણીએ સમગ્ર અહેવાલ. 

 

મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં એક ગુનાના કામે 2 આરોપી જ્યુડિસીયલ કસ્ટડી હેઠળ હોઈ સમગ્ર મામલે જે વળાંક આવ્યો તેમાં વિજાપુર મામલતદાર કચેરીના 3 કર્મચારીઓ ભ્રષ્ટાચારની રડારમાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના વસાઇ પો.સ્ટે. માં દાખલ થયેલ ગુન્હાના કામે 2 યુવાનોને વિજાપુર સબ જેલ ખાતે રાખવામાં આવ્યા હતા. જેમાં એક આરોપીને હૃદયની તકલીફ થતાં વડનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. આ દરમ્યાન બંને આરોપીને વિજાપુર સબજેલથી મહેસાણા સબજેલ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા થવાની સ્થિતિ બની હતી. આ મામલે આરોપીના સગાંએ વિજાપુર મામલતદાર કચેરીના ફોજદારી કારકૂન ભાવિન મનહરભાઈ પરમાર અને નાયબ મામલતદાર જૈમિન વિનાયકભાઇ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જેમાં બંને આરોપીને મહેસાણા સબજેલ ટ્રાન્સફર નહી કરવા કારકૂન ભાવિન અને નાયબ મામલતદાર જૈમિને રૂ.15,000ની લાંચની માંગણી કરી હતી. 

આ તરફ આરોપીના સગાં લાંચની રકમ આપવા ઈચ્છતા નહિ હોવાથી ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આથી એસીબી પોલીસે આજે વિજાપુર મામલતદાર કચેરી નજીક લાંચના છટકાનુ આયોજન કરતા વિજાપુર મામલતદાર કચેરીના પટાવાળા કલ્પેશ અમૃતભાઇ મકવાણા ટ્રેપ દરમિયાન કારકૂન ભાવિનના કહેવાથી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૧૫,૦૦૦/- સ્વિકારી પકડાઇ ગયા હતા. આ સમયે ગાંધીનગર એલસીબી પોલીસે પટાવાળા, કારકૂન અને નાયબ મામલતદાર સહિત ત્રણેય આરોપીઓ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિજાપુર મામલતદાર કચેરીના આ ત્રણેય કર્મચારીઓ જ્યુડિસીયલ અને ગુન્હા કામનાં આરોપીના કેસ મામલે લાંચ લેતાં પકડાઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વિજાપુર સહિત સમગ્ર મહેસાણા જિલ્લાના રેવન્યુ અને પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.