દુર્ઘટના@સુરત: ગરબા રમી મધરાત્રે પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત, બાઈક ઝાડ સાથે અથડાતાં એકનું મોત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં નવરાત્રિની પ્રથમ રાત્રે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મિત્રો સ્પોર્ટસ બાઈક પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન બાઈક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમાંથી એકને સારવાર મળે તે અગાઉ જ મોત નીપજ્યું હતું. જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મિત્રોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સુરતમાં ગરબા રમી પરત ફરતા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. સ્પોર્ટસ બાઈક પર ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. બાઈક ઝાડ સાથે અથડાતા ત્રણેય મિત્રો ઘાયલ થયાં હતાં. જેમાં અકસ્માતમાં એકનું મોત થયું હતું. અરુણ રાઠોડ નામના 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મોતને ભેટનાર અરુણ સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. અન્ય બે ઘાયલ મિત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

અરુણના પરિવારજનોએ જણાવ્યું કે, અરુણ ગરબા રમવા મિત્રો સાથે ગયો હતો. આ દરમિયાન રાત્રે મોડેથી ફોન આવતાં તેઓ દોડી ગયાં હતાં. કદાચ સામેથી આવતાં વાહનની લાઈટથી અંજાઈ ગયા હોય અને ઝાડ સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક તબક્કે કહી શકાય છે.