ગંભીર@સુરેન્દ્રનગર: ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરોના મોત

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે, જયારે 3 મજૂરોની હાલત ગંભીર છે. ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં મજૂરોનો ભોગ લેવાયો છે. 

ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જીલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો. જિલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા, આ દરમિયાન 8 મજૂરોને ગેસ ગળતરની અસર થઇ હતી. 

આ ઘટનામાં 3 મજૂરોના ખાણમાં જ મોત થયા છે, જયારે અન્ય 3 મજૂરોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક 3 મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે આ સમગ્ર ઘટના તેમજ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ અંગે તપાસ શરૂ કરી છે.