ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસે 3 લાખ લોકોએ કર્યા માં અંબાના દર્શન

 
Ambaji Melo

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ગઈકાલે 23 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આજે મેળાના પહેલે દિવસે જ અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપુર આવ્યું છે અને અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાના ઇતિહાસમાં પહેલી વાર પ્રથમ દિવસે 3 લાખથી વધુ લોકોએ જગત જનની મા અંબાના દર્શન કર્યા છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 24 તારીખે મેળાનો બીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામા માઇભક્તો અંબાજી પહોંચી રહ્યાં છે અને મા અંબાજીને શીષ નમાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. અંબાના મેળાનો આજે બીજો દિવસ છે, ત્યારે મોટી સંખ્યા માં ભક્તો અંબાજી મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ચારેકોર મા અંબાનો જય જયકાર થઈ રહ્યો છે અને લાંબી લાંબી ધજાઓ લઈને ભક્તો ચાંચરના ચોકમાં હર્ષોલ્લાસ સાથે પહોંચી રહ્યાં છે.

માં અંબાના દર્શને આવતા માઈભક્તો દેવસ્થાન ટ્રસ્ટે કરેલી દર્શન વ્યવસ્થાને પણ બિરદાવી રહ્યાં છે. મહતમ લોકો મા અંબાજીના દર્શન કરી રહ્યા છે. કહી શકાય કે ઇતિહાસમાં પેહલી વાર 3 લાખ ભક્તો એ એક જ દિવસમાં અંબાજી માતાના દર્શન કર્યા છે. મા અંબાના દર્શને આવતા યાત્રિકોની આસ્થામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . હજુ પણ અંબાજીને જોડતા તમામ ધોરીમાર્ગો પર મોટા મોટા સંઘો પગપાળા આગળ વધી રહ્યાં છે, જે આગામી 5 દિવસોમાં અંબાજી પહોંચશે અને જો પ્રથમ દિવસે જ 3 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે તો આ વર્ષનો મેળો 40 લાખ ભક્તોના દર્શનનો રેકોર્ડ બનાવે તેવી પુરી શક્યતા છે.