કાર્યવાહી@ગુજરાત: 2000ની નોટો બદલવાની પ્રક્રિયા વચ્ચે 23 લાખથી વધુ નકલી ચલણી નોટો સાથે 3 ઝબ્બે

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં હાલ 2000ની નોટ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમ્યાન રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ભારતીય ચલણની રૂપિયા 500 તેમજ 100ના દરની બનાવટી ચલણી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 23,44,500ની નકલી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા નિકુંજ ભાલોડીયા, વિશાલ ગઢીયા તેમજ વિશાલ બુદ્ધદેવ નામના આરોપીઓની નકલી ચલણી નોટ મામલે ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસને માહિતી મળી હતી કે, વિશાલ ગઢીયા પાસે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટી ચલણી નોટ પડી છે. જે ચલણી નોટ તેણે નિકુંજ ભાલોડીયા પાસેથી લીધી હતી. આરોપી વિશાલ ગઢીયા તેમજ વિશાલ બુદ્ધદેવને સાથે રાખી નિકુંજ ભાલોડીયાના રહેણાંક મકાન ખાતે તપાસ કરતા આરોપી નિકુંજ ભાલોડીયા પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો તેમજ જુદા-જુદા દરની સ્કેનર મારફતે સ્કેન કરી ત્યારબાદ જેપીજી ફાઈલને ફોટોશોપ માં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફતે પ્રિન્ટ આપી બનાવટી ચલણી નોટો બનાવવામાં આવતી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા રૂપિયા 500ના દરની 4622 તેમજ રૂપિયા 100ના દરની 335 જેટલી નકલી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા સ્કેનર કમ પ્રિન્ટર, કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ ત્રણ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે નકલી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે તેમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ DCP ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ જવાનો જોડાયા હતા. ગુરૂવારે બપોરના 1:00 વાગ્યાના અરસામાં સમગ્ર મામલેટ રાજકોટ શહેર પોલીસ દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે.