ગંભીર@અરવલ્લી: ચોંકાવનારો ડાઘ લાગ્યો ખાખીને, દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

 
Modasa

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જિલ્લામાં દારૂ પકડાનાર પોલીસ જ ખુદ દારૂની ખેપ મારતો હોવાના આક્ષેપ થયા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગઈકાલે માલપુર રોડ પર એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે એકાએક કારન બંને ટાયર ફાટી ગયા બાદ ચાલકે કાબૂ ગુમાવી એક બાઇક સવારને અડફેટે લીધો હતો. જોકે બાદમાં ઇજાગ્રસ્તના પરિવારજનોએ કારનો પીછો કરી કાર સુધી પહોંચ્યા. આ દરમ્યાન કારમાંથી મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી કારમાંથી દારૂની પેટીઓ અન્ય એક કારમાં ટ્રાન્સફર કરતો જોવા મળ્યો હતો.  

અરવલ્લી જિલ્લામાં બનેલી આ ઘટના બાદ હવે પોલીસ અધિક્ષકે હરકતમાં આવી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વનું છે કે, ઘટનાના સીસીટીવી પણ સામે આવતા ઇજાગ્રસ્તના પિતાએ સીસીટીવી આધારે મેઘરજ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી સામે અકસ્માતની તેમજ કારમાંથી દારૂની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફરિયાદ અને સીસીટીવી આધારે જિલ્લા પોલીસ વડાએ દારૂ હેરાફેરી કરનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી, જતીન રાકેશભાઈ અને વિજય ગોબરભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અને સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી હેડક્વાર્ટરને સોંપી છે.