કાર્યવાહી@અમદાવાદ: સગીરાને બ્લેકમેલ કરી ધર્મપરિવર્તનનું દબાણ કરનાર પાદરીને 3 વર્ષની જેલ

 
Padri

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પાદરીને સજા થઇ હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદમાં સગીરાને ધર્મપરિવર્તનનું દબાણ કરનારા પાદરી ગુલાબન પરીખન મસીહને સેશન્સ કોર્ટે 3 વર્ષની સજા અને 1 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. સગીરાને વીડિયોકોલ કરીને કપડાં ઉતારવાનું કહી તેના બિભત્સ ફોટા પાડીને તેને બ્લેકમેલ કરતો હતો. પાદરી સગીરાને બાઇબલ વાંચવા આપતો હતો.

સેશન્સ જજ જયેશ પ્રજાપતિએ ચુકાદો આપતા જણાવ્યું કે, લોકો ધર્મગુરુ તરીકે જેના પર શ્રદ્ધા ધરાવે છે તે વ્યકિત કુમળું માનસ ધરાવતી સગીરાને ફસાવી ગુનાહિત કૃત્ય કરે, એવા લોકોને સમાજમાં દાખલારૂપ સજા થવી જોઈએ.

પીડિતાના વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 11માં ભણતી સગીરાને તેની પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા ગુલાબન પરીખન મસીહ નામના પાદરી સાથે ઓળખાણ થઈ હતી. પાદરીએ સગીરા સાથે મિત્રતા કરીને તેના ઘરે જઈને ધર્મની વાતો કરવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે પાદરીની ઘરે આવનજાવન વધી જતાં વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. જે બાદ પાદરી સગીરાના વોટ્સએપ નંબર પર ‘આઈ લવ યુ’ના મેસેજ કરતો હતો.

પાદરીએ વીડિયો કોલમાં સગારીના કપડાં ઉતરાવીને તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા. એ પછીથી બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું, પાદરી સગીરાને ધમકી આપતો હતો કે જો તું ખ્રિસ્તી ધર્મ અંગિકાર નહીં કરે તો તારા ફોટા બધાને બતાવી દઇશ. પાદરીએ સગીરાના ફોટા તેના પરિવારને પણ બતાવીને સપરિવાર ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હતો.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ચર્ચમાં આવતા શ્રદ્ધાળુઓની સમસ્યાનું સમાધાન કરવાનું કામ પાદરીનું છે પરતું આ કેસમાં પાદરીએ સગીરવયની દીકરીને દબાણ કરીને ધર્મપરિવર્તન કરવા ધમકી આપી છે. સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા પાદરીને સમાજમાં દાખલારૂપ સજા થવી જોઇએ. ધર્મગુરુ હોવા છતાં અપકૃત્ય દ્વારા સમાજમાં ભોગ બનનારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે.