કાળ@કડી: બેફામ ટ્રક ચાલકોને નથી કાયદાનો ડર, ભયાનક ટક્કરથી મિનીટોમાં 3 જુવાનજોધના મોત

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાજીનાં પ્રસંગનું આમંત્રણ આપવા ગયેલા 3 યુવકોના કરુણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ કડી તાલુકાના કલ્યાણપુરા અમરનગરના રહેવાસી રાહુલજી ઠાકોરના ઘરે માતાજીનો પ્રસંગ હોવાથી તેઓ અને તેમના બે અન્ય મિત્રો સાથે કડીના વરખડિયા ગામે આમંત્રણ આપવા માટે ગયા હતા. જોકે ન જાણ્યું જાનકીનાથે, કાલ શું થવાનું..... એ પંક્તિની જેમ તેમણે અકસ્માત નડતાં ત્રણેય યુવકોનાં કરુણ મોત થયા છે.
મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના કલ્યાણપુરા પંથકનાં ત્રણ યુવકોનાં મોતથી પરિજનો શોકમગ્ન બન્યા છે. વિગતો મુજબ કલ્યાણપુરા અમરનગરના રહેવાસી રાહુલજી ઠાકોરના ઘરે માતાજીનો પ્રસંગ હોવાથી તેઓ અને તેમના બે અન્ય મિત્રો સાથે વરખડિયા ગામે આમંત્રણ આપી પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન ઈશ્વરપુરા પાટિયા પાસે સામેથી આવી રહેલી ટ્રકે ત્રણેય યુવકોને ટક્કર મારતા યુવકો બાઇક સાથે રોડ ઉપર પછડાયા હતા. જોકે ટ્રકની ટક્કર એટલએ જોરદાર હતી કે, ત્રણેય યુવકોનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બાવલું પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કલ્યાણપુરા અમારાનગરમાં પરિવાર માતાજીના પ્રસંગના ઉત્સવની તૈયારીઓમાં હતો અને સમાચાર મળ્યાં કે તમારા દીકરાઓનું ઈશ્વરપુરા પાટિયા પાસે અકસ્માત થયું છે. સમાચાર સાંભળતાની સાથે જ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને પ્રસંગની ખુશીઓ મનાવી રહેલા પરિવારમાં દુ:ખની લાગણી ફરી વળી હતી. એક જ ગામના ત્રણ કુળદીપકના મોતથી ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. નોંધનીય છે કે, ટ્રક નંબર GJ. 13 X. 0089 બાઈકને ટક્કર મારતા બાઈક સવાર રાહુલ સહિત ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાયા બાદ ત્રણેય મિત્રના સ્થળે જ મોત નીપજ્યાં હતા. કડી તાલુકાના બાવલુ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ત્રણેય મૃતદેહોને PM અર્થે ખસેડવા કવાયત શરૂ કરી હતી.