છેતરપિંડી@બનાસકાંઠા: ભૂવાએ 1 કરોડમાં દુ:ખ દૂર કરવાનું કહેતા બે ભાઈઓએ 35 લાખ ગુમાવ્યા, જાણો શું છે વિગત ?

 
Dhanera

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠાના એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી. બાદમાં દુઃખથી બચવા એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપવામાં આવ્યો છે. જોકે, અટલ સમાચાર આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી.

આ દરમ્યાન છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે. 5 ભૂવાઓએ પીડિત ભાઈઓને કહ્યું હતું કે, ઘરમાં 85 વર્ષથી માતા મૂકી છે અને બાધા રાખવી પડશે. વાતોમાં આવી ગયેલા પરિવારે દુઃખથી બચવા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા, તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી.

નોંધનીય છે કે, પીડિત ભાઈઓએ છેતરપિંડી થયાની જાણ થતાં વીડિયો સાથે અરજી કરી છે. પોલીસને પુરાવા રૂપે જે વીડિયો આપવામાં આવ્યો છે તે 38 સેકન્ડના વીડિયો છે. જેમાં ચારથી પાંચ ભૂવા અને પરિવારના સદસ્યો દેખાય છે. જેમાં દેશી મારવાડી સંવાદ થઈ રહ્યો છે. હાર પહેરેલો યુવાન ભૂવો સતત બંને ખભા હલાવી ધુણતો રહે છે. જેની આગળ 500-500 રૂપિયાની ચલણી નોટોના બંડલો તેમજ થાળમાં કંકુ ચોખા દેખાય છે. નોટોની એક થપ્પી ઉપર ચબરકી લખીને મૂકવામાં આવે છે. જે સંવાદો બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે તેમાં "આશીર્વાદ જોઈએ આપણે તો, લેવા દેવા વગરનું દેવ દુઃખ હોય તો... તેવો સંવાદ પણ ચાલી રહ્યો છે.

વીડિયોમાં બહાર બેઠેલા કોઈને અંદર બોલાવવાનું કહેવામાં આવે છે, જ્યારે સામે ભૂવા સાંકેતિક ભાષામાં જે બાકી છે તે લઈ આવવાનું કહે છે. હાલમાં આ વીડિયો અને અરજીના આધારે ધાનેરા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે અટલ સમાચાર આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી.