ચોંક્યા@મહેસાણા: કંઈપણ કર્યા વિના બિલ્ડરના ખાતાંમાંથી ધડાધડ 37 લાખ ઉપડી ગયા, માથું ખંજવાળે તેવી ચોરી
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણામાંથી છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણાના બિલ્ડરે ના કોઈ OTP આપ્યો હતો કે ના કોઇ લિંક પર ક્લિક કર્યું હતું છતાં ગઠિયાઓએ માત્ર 30 મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ દરમ્યાન બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા શહેરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઈ પટેલ એક મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વાત જાણે એમ છે કે,
21 તારીખે દુષ્યંતભાઈ પટેલ પોતાની ઓફિસે હાજર હતા. આ દરમિયાન બપોરના સમયે વાગ્યે તેમના ફોન પર રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તરત જ બીજા 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં બિલ્ડર ચોકી ઊઠ્યા હતા અને તેઓ તાત્કાલિક પાચોટ નજીક આવેલી ICICI બેંકમાં પહોંચ્યા હતા, જ્યાં જઇ પોતાનું ખાતું બંધ કરવાની પ્રોસેસ શરૂ કરી હતી. જોકે આ દરમ્યાન ફરી એકવાર 17 લાખ રૂપિયા ડેબિટ થયાનો ત્રીજો મેસેજ પડતાં દુષ્યંતભાઈ પટેલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક બેંકને જાણ કરવામાં આવતાં બેંક કર્મચારીઓએ વેપારીને જણાવ્યું કે, તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. બિલ્ડરે બેંકની ઓનલાઈન એપ્લિકેશનમાં પોતાનું યુઝર આઈડી પાસવર્ડ નાખતાં એપ્લિકેશન પણ ખૂલી નહોતી, જેથી બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવી દીધું હતું.
કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા ?
બેંક દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ બિલ્ડરના ખાતામાંથી કુલ 37 લાખ રૂપિયા અન્ય બે ખાતાંમાં ટ્રાન્સફર કરાયા છે. એમાં 10 લાખ રૂપિયા ICICI બેંકના ખાતા નંબર- 161205501051માં અને 092805001870 ખાતા નંબરમાં 27 લાખ રૂપિયા બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.