હડકંપ@પાટણ: બનાવટી કાગળો ઉપર મંડળીના સત્તાધીશોએ 4.78 કરોડની લોન લીધી, 15 જણાં સામે ફરિયાદ
અટલ સમાચાર, ડેસ્ક
સરસ્વતી તાલુકાનાં મેલુસણ ગામે આવેલી ગોપાલક સહકારી મંડળી પ્રમુખ, મંત્રી તથા સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગોપાલક સહકારી મંડળી પ્રમુખ, મંત્રી તથા સભ્યો દ્વારા 2019-20માં રૂા. 95,13,143 તથા સને 2020-21માં તથા 2021-22 માં રૂ 3,83,13,846 એમ કુલ રૂા. 4,78,30,989ની લોન મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચીને લોન મેળવી હતી. આ સાથે સભાસદો પૈકી સભાસદો મરણ ગયા હોવા તાં જીવીત દર્શાવીને તેમજ જમીનના 7-12નાં ઉતારાની નોંધો બનાવટી બનાવી ખોટી નોંધો હોવા છતાં સાચી નોંધ બનાવી રજુ કરી તા. 23-6-2021નાં રોજ તેમજ અગાઉનાં વર્ષમાં લોન મેળવવા માટે ખોટું શાખપત્ર બનાવી બેંક સાથે છેતરપીંડી કરવા માટે દસ્તાવેજ કર્યા હતા. જે મામલે હવે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં મેલુસણ ગામે આવેલી ગોપાલક સહકારી મંડળી વિવાદમાં આવી છે. વિગતો મુજબ મેલુસણ ગોપાલક મંડળીનાં પ્રમુખ, મંત્રી તથા કમિટીના સભ્યો તથા અગાઉના વિભાગીય ઇન્સ્પેક્ટર પંકજ પટેલ કે જેઓએ તેમનાં હોદ્દાની રુએ તેઓનાં દસ્તાવેજો ખરાઇ કરવાની જવાબદારી હોવા છતાં મેળાપીપણાથી ઉપરોક્ત લોન મંજુર કરી કરાવી છેતરપીંડી આચરી હોવાનો આક્ષેપ થયો હતો. જે આક્ષેપ કરતી ફરિયાદ મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકૃત વિભાગીય ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજીવ ભાવસારે એ મંડળીનાં 14 હોદ્દેદારો તથા મહેસાણા ડીસ્ટીક્ટ બેંકનાં પૂર્વ અધિકારી પંકજ પટેલ મળી કુલે 15 સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સરસ્વતી પોલીસે આઇ પી સી 420, 465, 467, 468,471, 409, 120 (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંડળીનાં પ્રમુખ-મંત્રી અને હોદ્દેદારો સામે ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે, મહેસાણા સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટ બેંકમાં મેલુસણની ગોપાલક કમિટી દ્વારા રજુ કાયેલા શાખા પત્રકમાં મંડળીનાં હોદ્દેદારો અને સભ્યો દ્વારા મંજુર કરેલ. જેમાં શાખ પત્રક સાથે સભાસદોની ખેતી વિષયક જમીનના ઉતારા રજુ કરેલા તે બનાવટી જણાઇ આવ્યા હતા. જેથી બેંકે મંડળી દ્વારા કે.સી.સી. લોન મેળવેલ સભાસદોને નોટીસો પાઠવતાં મોટા ભાગનાં સભાસદો દ્વારા પોતે કોઇ લોન ધીરાણ મંડળી દ્વારા લીધેલ નહિં હોવાનાં વાંધા અરજીઓ બેંક સમક્ષ રજુ થતાં કેટલાક સભ્યો મરણ ગયા હોવા છતાં ધિરાણ મેળવેલ હોવાનું જણાઇ આવતાં ફરિયાદ નોંધાઈ છે.