ભયાનક@સાંતલપુર: અચાનક પ્રાણી આવતાં કારચાલકે ગુમાવ્યો કાબૂ, પતિ પત્ની અને 2 સંતાનો સાથે 4ના મોત
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લાના સાંતલપુરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ અહીં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ માર્ગ પર કોઈ પ્રાણી આવી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે રહેતા જોશી પરિવારને માથે આભ ફાટ્યું છે. વિગતો મુજબ આ જોશી પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમ્યાન ફાંગલીથી ચારણકા ગામ વચ્ચે કારને અકસ્માત નડ્યો હતો. ચર્ચાઓ મુજબ રસ્તા પરથી પસાર થતાં જંગલી પ્રાણીને બચાવવા જતાં કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં ખાબકી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ચારેય મૃતદેહને સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.