બ્રેકિંગ@બાયડ: વહેલી સવારે ટ્રકે બાઈકને અડફેટે લેતા 2 બાળકો સહિત દંપતિનું મોત, પંથકમાં શોક

 
Bayad

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાયડમાં એક બેફામ બનેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતી અને બે બાળકોનાં કરૂણ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. બાયડ પાસેના ગાબટ રોડ પર અકસ્માતમાં એક પરિવારનો માળો વિખેરાયો છે. આ તરફ પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

અરવલ્લી જિલ્લાનાં બાયડ તાલુકાનાં ગાબટ રોડ પર એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ આજે રવિવારની વહેલી સવારે ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકે બેફામ ડ્રાઇવિંગ કરી બાઇકને ટક્કર મારી હતી. જેમાં એક જ પરિવાર 4 લોકોનાં મોત થયા છે. આજે વહેલી સવારે CNG સપ્લાય કરતી ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક સવાર દંપતી સહિત બે બાળકો એટલે કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, અક્સમાત સર્જનાર ટ્રકનો નંબર GJ.01.CV.9102 છે. આ અંગેની જાણ થતાં બાયડ પોલીસની ટીમ બનાવસ્થળે દોડી આવી છે. આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા વચ્ચે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમણે તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ તે આવે એ પહેલા જ ચારેય લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.