રિપોર્ટ@ગુજરાત: 4200 ગ્રેડ પે મુદ્દે ફરી આંદોલનના એંધાણ, હવે આ શિક્ષકો આકરા પાણીએ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં 4200 ગ્રેડ પેની માંગણીને મુદ્દે ફરી એકવાર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 4200 ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને આપી નગરપાલિકા અને મહાનગર પાલિકાના શિક્ષકોને તે લાભ નહિ મળતા હવે મામલો ગરમાયો છે. આ મામલે 11 હજાર શિક્ષકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. જોકે હવે આ મુદ્દે શિક્ષકોએ શિક્ષક સંઘના ઘટક સંઘો સાથે મિટિંગ પણ શરુ કરી દીધી છે. જો સરકાર નહિ માને તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યમાં ફરી એકવાર 4200 ગ્રેડ પે મામલે આંદોલન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 4200 ગ્રેડ પેનું વચન આપી લાભથી વંચિત રખાતા શિક્ષકો ગિન્નાયા છે. આ મુદ્દે હવે શિક્ષકો આંદોલનનું શસ્ત્ર ઉગામે તેવિ સ્થિતિ બની છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી ઘણી જુની છે. 1990થી માંગણી હતી તે ચળવળ ચાલુ હતી. જે મુદ્દે શિક્ષકોએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા ત્યાર બાદ સરકારે 5 મંત્રીઓની કમીટી રચી અને આશ્વાસન આપ્યું કે, તમારા પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું. પરંતુ સરકારએ વચન પાળ્યું નહિ. માત્ર 2022થી આપવાની વાત કરી જ્યારે અમારી માગંણી જુની હતી. જેના કારણે એક શિક્ષકને 8થી 10 લાખનું નુકસાન થયું છે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ગ્રેડ પેનો લાભ અમને મળ્યો જ નથી. માત્ર આશ્વાસન મળ્યું સરકારે વચન આપ્યું હતુ તે પાલન કર્યુ નથી. સમાન કામ સમાન વેતનની વાત હતી. જેમાં જિલ્લા પંચાયતના શિક્ષકોને મળ્યું અને નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને લાભથી વંચિત રખાયા. શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ 1990થી મળવા પાત્ર છે. 1986માં જે લોકો શિક્ષક તરીકે લાગ્યા તેઓને મળવા પાત્ર છે. પરંતુ કોર્પોરેશન, નગરપાલિકાના શિક્ષકોને આજ દિન સુધી લાભ મળ્યો નથી. આવા કુલ 11 હજાર કરતા વધુ શિક્ષકો થાય છે જેઓને લાભ નથી મળ્યો અને નિવૃત સાથે ગણીએ તો 20 હજાર શિક્ષકો થાય છે. આ મામલે અમારા સંયુક્ત મોરચામાં અમે રજુઆત કરી છે. સંઘના ઘટક સંઘો સાથે મિટિંગ કરી રહ્યાં છીએ જો સરકાર નહિ માને તો આંદોલન કરવું પડશે.