આનંદો@મહેસાણા: ધરોઈ ડેમમાંથી 4600 ક્યુસેક પાણી છોડાયું, નદી કાંઠા વિસ્તારમાં એલર્ટ

 
Dharoi dam

અટલ સમાચાર, ડેસ્ક

ધરોઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સતત નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે જેની સામે હાલમાં ડેમ 618 ફૂટ જેટલો ભરાયો છે. તેમજ આગામી સમયમાં વરસાદને કારણે હજુ ડેમમાં નવા નીર આવવાની શક્યતાઓ છે. આજે ધરોઈ જળાશયમાંથી 1 ગેટ ખોલી 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમા આજે સવારે 11 કલાકે પાણીનો જથ્થો 86.33 ટકા હતો. જેની સપાટી 618.43 ફૂટ નોંધાઇ હતી. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની સપાટી અને સ્ટોરેજ વધવાની શક્યતાઓને લઇ આજે બપોરે 2 કલાકે ધરોઈ જળાશયમાંથી 4600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમનો 1 દરવાજો 3.5 ફૂટ ખોલી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણી છોડ્યા અગાઉ ધરોઈ જળાશય વિભાગ દ્વારા 7 જિલ્લાના કલેક્ટરને પત્ર પાઠવી સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરાયા હતા. ઉપરવાસમાં વરસાદ વરસતા ધરોઈ ડેમમાં સતત પાણી સ્ટોર થઈ રહ્યા છે. જેના કારણે હાલમાં પાણીનો કેટલોક જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે. જેણે લઇ સંબંધિત અધિકારીઓને કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવા સૂચના પણ આપવામાં આવી હતી.