કાર્યવાહી@ગુજરાત: 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

 
Sopari

અટલ સમાચાર, ડેસ્ક 

સામખિયાળી પોલીસે મુન્દ્રાથી જ નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રોકેલી ટ્રકમાં બોગસ ઇ-વે બીલ અને ટ્રાન્સપોર્ટ બીલ્ટીના આધારે બહાર લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે જેમાં છ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આગળ શરૂ કરી છે. 

વિગતો મુજબ સાયબર સેલની ટીમે આદિનાથ ગોડાઉનમાં દરોડો પાડી 1.56 કરોડની સોપારી ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી હતી. આ દરમિયાન દરોડા પહેલા ગોદામમાંથી નિકળી ગયેલી GJ-12 BV-0085 નંબરની એક ટ્રકને સામખિયાળી પોલીસે હાઈવે પર વાંઢીયા નજીકથી ઝડપી પાડી હતી. ટ્રકમાં રૂ.49,36,000 ની કિંમતનો 24,680 કિલોગ્રામ સોપારીનો જથ્થો ભરેલો હતો. પોલીસે પૂછપરછ બાદ આધાર પૂરાવા માંગતા તેમણે એક્રેલિક પ્રોસેસીંગ એઈડ નામની પેઢીનું ઈ-વે બિલ અને ટ્રાન્સપોર્ટ બિલ્ટી રજૂ દેખાડ્યા હતા.

પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ઈ-વે બિલ અને બિલ્ટી બોગસ હોવાનું પૂરવાર થયું હતું. ડ્રાઈવર-ક્લિનરે પુછપરછમાં જણાવ્યા મુજબ, તેમણે આદિનાથ ગોડાઉનમાંથી માલ ભર્યો ત્યારબાદ ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો અને ગોડાઉન સંચાલક સાથે ઈ-વે બિલ ક્યાં અને કોને પહોંચાડવાનું છે તેવી વાત કરી હતી. થોડીવાર બાદ અજાણ્યો મોટર સાયકલચાલક રૂબરૂ આવીને ગોડાઉન સંચાલક અમિત કટારીયા (ભાનુશાલી)ને ઈ-વે બિલ અને બિલ્ટી આપી ગયો હતો.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરમ્યાન ટ્રકમાં માલ લોડ થયા બાદ અમિતે બિલ-બિલ્ટી ડ્રાઈવરને આપી દીધા હતા. ભરત ભદ્રા નામના શખ્સે ગોડાઉનમાં સોપારીનો જથ્થો મોકલ્યો હોવાની ડ્રાઈવર ક્લિનરે કેફિયત આપી હતી. જેના પગલે પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લિનર સાથે ગોડાઉન સંચાલક અમિત કટારીયા, ગોડાઉનમાં માલ મોકલનાર ભરત ભદ્રા, ફોન પર વાત કરનારાં ટ્રાન્સપોર્ટર અને બોગસ ઈ-વે બિલ, ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવનાર અજ્ઞાત શખ્સ મળી 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. પીએસઆઈ વાય.કે. ગોહિલે તપાસ હાથ ધરી છે.

 

નોંધનીય છે કે, મુંદ્રાથી વારંવાર જડપાઇ રહેલો સોપારીનો જથ્થો સૂચવે છે કે, આયાતને લગતું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જો તપાસ મુળ સૂધી કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ કૌભાંડમાં કસ્ટમ જેવી સંબંધિત એજન્સીઓ પણ શંકાના દાયરામાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.