હવામાન@ગુજરાત: આ વિસ્તારમાં અપર લેવલ સર્ક્યુલેશનને કારણે 5 દિવસ વરસાદની આગાહી

 
Manorama Mohanti

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આગામી પાંચ દિવસ પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. જોકે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં ત્રીજા રાઉન્ડ બાદ વરસાદનું જોર ઘટ્યું છે. એક સિસ્ટમ બંગાળની ખાડી પરથી આવી રહી હતી પરંતુ તે ફંટાઈ જતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ હતી તે ટળી હતી. આમ આગામી દિવસોમાં પણ રાજ્યમાં મેઘરાજાનું જોર નહીં રહે તેવી સંભાવનાઓ છે. જોકે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. 

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરીને જણાવવામાં આવી રહ્યું છે કે, આ સાથે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. હાલ રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે ગુજરાતમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવો વરસાદ સતત રહેવાની સંભાવના છે. જોકે, વરસાદ ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર સિવાય)માં રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદ છૂટોછવાયો રહી શકે છે. સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. 

સૌરાષ્ટ્ર માટેની આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં એકાદ-બે જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવનાઓ છે. પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર 13 તારીખ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર માટે આગાહી કરવામાં આવી છે જેમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સતત વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ ટૂંકા સમય માટે વરસાદ થયા બાદ વાદળો પસાર થઈ જવાથી વરસાદ અટકી જશે. અહીં ચારથી પાંચ હળવા વરસાદના સ્પેલ રહેવાની આગાહી કરવામાં આવી છે.