ચિંતા@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકથી 5 વ્યક્તિના મોત, યુવા-આધેડ-બાળકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરોમાંથી 5 લોકોના હાર્ટએટેકથી મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં બે લોકો, વડોદરામાં બે લોકો, અરવલ્લીમાં એકનું મોત હાર્ટએટેકથી થયા છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષભાઇ ચૌહાણનું મોત નિપજ્યું છે. પ્રોફેસર મિતેષભાઇનું અચાનક જ હૃદય બંધ થઇ જતા ઢળી પડ્યા હતા. કચ્છની નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા મિતેષભાઇનું અચાનક જ મોત થતા પરિવારમાં ભારે શોક છવાયો છે. રાજકોટમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ થંભી જવાનું નામ લેતી નથી. છેલ્લા ર૪ કલાકમાં વધુ બે આધેડનું હાર્ટએટેકથ મૃત્યુ નિપજતા પોલીસે કાગળો કરી તપાસ હાથ ધરી છે.
રૈયા ગામમાં રહેતાં સુરેશભાઈ વલ્લભભાઈ ગોહેલ (ઉ.વ.૪૮) ગત રોજઘરે એકાએક બેભાન થઈ જતા સિવિલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મૃત્યુ નિપજયું હતું. સુરેશભાઈને હાર્ટએટેક આવી ગયાનું ગાંધીગ્રામ-ર પોલીસની તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઢોલરાના પાટીયા પાસે ચાની કેબીને ચા પીતા અચાનક ઢળી પડતા આધેડનું મૃત્યુ નિપજયું હતું. વડોદરામાં હૃદય રોગ હુમલાના કારણે વધુ બે વ્યક્તિઓના મોત થયા છે.તરસાલીમાં રહેતા 51 વર્ષના ભરત પરમાર અને વાસણા રોડ પરના સમીરભાઈ કૌલનું મોત થયુ છે.. માત્ર 17 દિવસમાં જ 14 લોકોના હદયરોગના હુમલાથી મોત થયા છે
અરવલ્લી જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે તત્વ ઈન્સિટયૂટના સુપ્રીટેન્ડ ઓસીન પલાતનું વહેલી પરોઢીયે હાર્ટફેલ થતાં મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવાનને હૃદયમાં અચાનક દુખાવો ઉપડતા બેડ પર જ ઢળી પડ્યો હતો. આનન ફાનનમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ફરજ પર હાજર તબીબે હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.