કવાયત@વિસનગર: તરભ વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ST ડિવિઝન 7 દિવસ સુધી 50 બસો દોડાવશે
અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મહાદેવ મંદિરે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાંથી શિવભક્તો ઉમટી પડવાની સંભાવનાને અનુલક્ષીને મહેસાણા એસ.ટી.વિભાગ દ્વારા મહેસાણા, ઊંઝા, વિસનગર ડેપો ખાતેથી વધારાની 50 જેટલી બસો દોડાવાશે.
વિસનગર તાલુકાના તરભ ગામે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શિવ ભક્તોના આરાધ્ય દેવ ભગવાન વાળીનાથ મહાદેવ મંદિરે ઉત્તર ગુજરાત સહિત રાજ્ય માંથી શ્રદ્ધાળુઓના ભારે ઘસારો રહેનાર હોવાની સંભાવના સેવાઈ રહી છે. આશરે સાતેક દિવસીય મહોત્સવમા ગામેગામથી ભાવિ ભક્તોને શિવાલયના દ્વારે મહાદેવના દર્શનનો લાભ મળી શકે તે માટે મહેસાણા એસ.ટી.ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેસાણા ડેપોથી 10 બસ, ઊંઝા ડેપોથી 20 બસ, અને વિસનગર ડેપો ખાતેથી 20 બસ મળી કુલ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
બહાર ગામથી આવતા ભાવિ ભક્તોના તમામ વાહનો માટે તરભ ગામથી ચારેક કિલોમીટર દૂર પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી.બસો દ્વારા શ્રદ્ધાળુઓને ઊંઝા ઐઠોર જી.આઈ.ડી.સી માં ઉભા કરવામાં આવેલા વાહન પાર્કિગ સ્ટેન્ડના સ્થળે ઉતારવામા આવ્યાં બાદ ત્યાંથી મંદિર સુધી એસ.ટી ની 20 જેટલી મીની બસો મારફતે પહોંચાડવામા આવશે.