રિપોર્ટ@અમદાવાદ: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના 50 રથને વિવિધ જિલ્લામાં પ્રસ્થાન કરાવાયા

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દ્વારા 50 જેટલા વિકસિત ભારત રથોને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમદાવાદના ગોતા વિસ્તારથી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ભારતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ પૂર્ણ રૂપે વિકસિત થાય તેવો છે. 

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિકસિત ભારત રથો થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ ગામડાંઓમાં સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે અને વંચિત વર્ગને યોજનાઓના લાભ સરળતાથી પ્રાપ્ત થાય તે અંગેની કામગીરી કરવામાં આવશે. અંતે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં જે પણ વિકાસના કાર્યો કર્યા છે, તે અંગેની માહિતી પણ લોકોને આપવામાં આવશે. 

રથ પ્રસ્થાનના આ કાર્યક્રમમાં વિકાસ કમિશનર સંદીપ કુમાર, અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.એમ. દેસાઈ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સૂરજ બારોટ અને અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓના 100% લક્ષ્યસિદ્ધિ માટે યાત્રા થકી એક મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે.