કૃષિજગત@ગુજરાત: ઉંઝા સહિતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું છે કારણ ?
અટલ સમાચાર, ડેસ્ક
ઊંઝા માર્કેટ યાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે, જે જીરાનો ભાવ રૂ.12000 ઉપર પહોંચ્યો હતો, તે જીરાનો ભાવ હાલમાં ઘટીને રૂ.6000 આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરા ના ભાવમાં 50 ટકા જેટલો ધટાડો નોંધાયો છે. 2023ના વર્ષે જીરામાં ભારે તેજી જોવા મળી હતી, અને ભાવ રૂ.12000 પહોંચ્યો હતો. જીરાના ભાવને આકર્ષિત થઈને ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતોએ મોટાપાયે જીરાનું વાવેતર કર્યું હતું, જેથી જીરાના ભાવમાં સતત દબાણ આવી રહ્યું છે.
જીરાના વાવેતર મામલે ઊંઝા APMC ચેરમેનનું માનવું છે કે, આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે અને ગુજરાતમાં 4 લાખ હેકટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે તો આ મામલે કેટલાક વેપારીઓ માની રહ્યા છે કે, આ જીરાના ભાવ નીચા આવતા આવનારા દિવસોમાં એક્સપોર્ટની ડિમાન્ડ આવી શકે છે, તો કેટલાક વેપારીઓ માની રહ્યા છે આગામી એકાદ મહિના બાદ નવા જીરાની સીઝનની શરૂઆત થશે જેથી ભાવ રૂ.5000 આસપાસ રહી શકે છે.
જીરાનો પાક વાતાવરણ પર ખુબજ નિર્ભર હોય છે. જો આગામી દિવસોમાં જીરાને અનુકૂળ વાતાવરણ મળી રહેશે તો મોટાપાયે જીરાનું ઉત્પાદન થાય તો ચોક્કસથી બજારભાવ પર દબાણ આવી શકે છે અને વાતાવરણ અનુકુળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે.