અપડેટ@ગુજરાત: સીંગતેલના ભાવમાં ફરી ભડકો, બે દિવસમાં આટલા રૂપિયાનો વધારો
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સીંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. બે દિવસમાં સીંગતેલના ડબ્બામા 50 રુપિયાનો ભાવ વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ હાલ રૂપિયા 2600 થયા છે.
સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે. સીંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2600 છે.