કૌભાંડ@મત્સ્યોદ્યોગ: સબસીડી વાળી 5000 જગ્યા કાગળ ઉપર, ભાંડો ફૂટતો હોઇ કમિશ્નરને ડરાવવા હુમલો કર્યો?

 
Mtsyodhyog

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગત દિવસે ધરોઈ જળાશય યોજના મામલે મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિમાં વિકાસની સમીક્ષા અને જાત તપાસ કરવા ગયેલા કમિશનર ઉપર જે હુમલો થયો હતો તેનો ભાંડો ફૂટ્યો છે. મત્સ્યોદ્યોગ નામે લાખો રૂપિયાની સબસિડી મેળવી કાગળ ઉપર માછલી ઉછેર થવાના કૌભાંડનો પર્દાફાશ થયો હોઇ મત્સ્યોદ્યોગ કમિશનરને ડરાવવા હુમલા કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કમિશનર કચેરીને મોટી સંખ્યામાં ફરિયાદ આવી હતી કે, માછલી ઉછેરના નામે સબસીડી લેવામાં આવી પરંતુ હકીકતમાં સ્થળ ઉપર કંઈ નથી. આ મામલે તપાસમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા હોઈ કૌભાંડીઓએ ભેગા મળી મળતિયા ઈસમો મારફતે હુમલો કરાવવાનો કારસો રચ્યો હોવાની બૂમરાણ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.....

ઉત્તર ગુજરાતમાં ધરોઈ બેલ્ટ મત્સ્યોદ્યોગ માટે અગત્યનો હોઈ સરકારની યોજના હેઠળ અનેક અરજદારોની રજૂઆત આવતી હોય છે. આ સંદર્ભે અગાઉ ધરોઇ જળાશય યોજનામાં માછલી ઉછેર/વિકાસ માટે સરેરાશ 10,000 કેઝ(નિયત જગ્યા) બનાવવામાં આવ્યા હતા. જેના ઉપર રૂપિયા 3 લાખની સબસિડી વાળી લોન હેઠળ સરકારે યોજનાકીય રાહત આપી હતી. જોકે આ બ્લોકમાં મોટાભાગના બ્લોક કાગળ ઉપર ચાલતાં હોવાની ફરિયાદ વધી જતાં કમિશનર કચેરીમાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. આક્ષેપો મુજબ સરેરાશ અડધોઅડધ એટલે કે 5000 બ્લોક કાગળ ઉપર માછલી ઉછેર કરતાં હોવાની તપાસનો ધમધમાટ શરૂ થતાં કૌભાંડીઓને પગ તળે રેલો આવવાની શરૂઆત થઇ હતી. આથી કમિશ્નર ખુદ તપાસમાં આવતાં હોઈ હુમલાનો કારસો રચવાનો પ્લાન હુમલાખોરો અને મળતિયાઓ બનાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલા બાદ કૌભાંડ વાયુવેગે બહાર આવી શકે તેવી શક્યતા પારખી કૌભાંડી અને તેમનાં આકાઓ દ્વારા હવે સમાધાનકારી પ્રયાસો શરૂ કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મત્સ્યોદ્યોગમાં કૌભાંડના ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના જોતાં સ્થાનિક ઈસમોના હવાતિયાં શરૂ થયા તો ઠીક પરંતુ કર્મચારીઓ પણ ધમપછાડા કરી રહ્યા છે. જો કૌભાંડ બહાર આવે અને જવાબદારી ફિક્સ થાય તો અનેક કર્મચારી અધિકારીઓને અસર થાય તેવી ભિતી હોઈ મામલો દબાવવા યેનકેન પ્રકારે પ્રયત્ન થઈ રહ્યા છે. આંતરિક વર્તુળોમાં થતી ચર્ચા મુજબ મત્સ્યોદ્યોગ મંત્રી સુધી મામલો લઈ જઈને કૌભાંડની બૂમરાણ દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા તે જોતાં ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે.