ધાર્મિક@અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજે સાંજે પૂર્ણાહુતિ, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક

અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજનાર હતી. તેમાં યાત્રાળુઓનો અનેરો ઉત્સાહ અને મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને જોતા ગુજરાત સરકાર દ્વારા ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો એક દિવસ વધારાયો હતો. જેને લઈ આજે ગબ્બર 51 શક્તિપીઠ મહોત્સવનો છેલ્લો દિવસ છે.ત્યારે પણ આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળાઓ જોડાઈ રહ્યાં છે.

યાત્રાધામ અંબાજીમાં તમામ શક્તિપીઠોના દર્શન મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન 3 લાખ 20 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠ પરિક્રમામાં જોડાઈ તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજે છેલ્લા દિવસે ગબ્બર તળેટીમાં મંદિરના વહીવટ દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી. 

અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠ મહોત્સવમાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા રાજ્ય સરકાર દ્વારા પરિક્રમા મહોત્સવનો એક દિવસ વધારવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓનો ઉત્સવ, ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. તો મોટી સંખ્યામાં શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ પણ આજે પરિક્રમા મહોત્સવમાં જોડાયા હતા.

51 શક્તિપીઠ મહોત્સવમાં શક્તિપીઠ પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં આરોગ્ય, જમવાની વ્યવસ્થા સાથે ચા-પાણી જેવી તમામ સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવી હતી. આ સાથે સાથે ઉત્તર ગુજરાત અને ગુજરાત ભરમાંથી આવતા લોકો માટે પાંચ દિવસ નિ:શુલ્ક બસોની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો હતો. આજે પરિક્રમા મહોત્સવનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે સાંજે આ પરિક્રમા મહોત્સવની પૂર્ણાહુતી કરવામાં આવશે. એટલુ જ નહિ આ મહોત્સવની વિધિવત પૂર્ણાહુતિ થયાં બાદ પણ યાત્રિકો ગબ્બરની પરીક્રમા માટે જઈ શકશે.