કાર્યવાહી@મહેસાણા: લબરમુછીયા ક્રાઇમના એપિસોડ જોઇ બન્યા લુંટારા, ગોવા ફરવા જવા લુંટ્યા હતા 52 લાખ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કડીની ચોંકાવનારી 52 લાખની ખતરનાક લૂંટ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારાઓને ઓળખી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટીવીના એપિસોડથી પ્રેરાઇને 5 લબરમુછીયા ભેગા મળી લૂંટારા બન્યા હતા. આ પછી ગોવાની મોજ માણવા સૌથી મોટી લૂંટ કરવાનો કારસો રચ્યો હતો. કેટલાક દિવસો રેકી કરી કડીમાં આવેલી જીનિંગ મિલોમાંથી રૂપિયાની ઉઘરાણી કરી જતાં મહેતાજી પાસેથી 52 લાખ લૂંટી ગુનાને અંજામ આપ્યો હતો. કડીના બાલાજી બ્રોકસના મહેતાજીના સ્કૂટરને ગાડીથી ટક્કર મારી લબરમુછીયા લૂંટારા ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસની વિશેષ ટીમે લૂંટારુઓ, તેમનો હેતુ, ઈરાદો સહિત ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
મહેસાણા જિલ્લાના કડીમાંથી બાઈક સવાર લબરમુછીયા 52 લાખની ચકચારી લૂંટ કરી ભાગી ગયા હતા. આ ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસે કુલ 5 વ્યક્તિઓની ધરપકડ/ઓળખ કરી લૂંટનો ભેદ ઉકેલી દીધો છે. ઘટનાની વિગતો જોઈએ તો, જીનિંગ મિલોમાંથી વેપારી અર્થે રૂપિયાની ઉઘરાણી કરી ઓફિસે જઈ રહેલા બાલાજી બ્રોકર્સના મહેતાજી પાસેથી 52 લાખની લૂંટ થઈ હતી. આ લૂંટ કરી બાઈક સવાર શખ્સો આંખના પલકારામાં ભાગી ગયા હતા. જેમાં મહેસાણા એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી, ટેકનિકલ સોર્સ, અન્ય માહિતી અધારે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી સમગ્ર લૂંટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જે 5 શખ્સોની ધરપકડ કરી તે લબરમુછીયા કેટલાક સમયથી ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોવાના રસિયા બન્યા હતા. આ પછી પાંચેય મિત્રોએ ભેગા મળીને પૂર્વ આયોજિત કારસો રચી સમગ્ર લૂંટનું આયોજન કર્યું હતુ અને લૂંટ સફળ બનાવવા રેકી પણ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બાલાજી બ્રોકર્સ નામની પેઢીના મહેતાજી જગદીશભાઈ પટેલ ગત ગુરુવારે બપોરે જીનીંગ મિલોમાંથી હિસાબના 52 લાખ રોકડા બેગમાં મૂકીને ઓફિસમાં જઈ રહ્યા હતા. આ દરમ્યાન બાઇકમાં આવેલા લબરમુછીયાએ અચાનક મહેતાજીના સ્કૂટરને ટક્કર મારી 52 લાખ ભરેલા થેલા લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના બાદ કડી સહિત મહેસાણા જિલ્લામાં લૂંટ કેસની ચકચાર મચી ગઈ હતી. આ પછી આરોપીઓને પકડવા પોલીસની પાંચથી વધુ ટીમો કામે લાગી હતી. ઘટનાસ્થળ નજીકથી મળી આવેલા સીસી ફૂટેજને આધારે પોલીસ આખરે લુંટારૂઓ સુધી પહોંચી હતી. લૂંટમાં કડીના રાજપુર ગામના પાંચ લબરમુછીયા લૂંટારોઓની પૂછપરછ હાથ ધરાઈ છે. જેમાં જાણવા મળ્યું કે, ગોવા જઇ મોજ મજા કરવા લબરમુછીયાઓએ લૂંટને અંજામ આપ્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ માહિતી એ આવી કે, આરોપીઓને ગોવા ફરવા જવું હતું પરંતુ પૈસા નહોતા, એટલે મોટી લૂંટનું આયોજન કર્યું હતુ. આ માટે ઘટનાસ્થળ આસપાસ 10થી 15 દિવસો સુધી સતત રેકી પણ કરી હતી. એક આરોપીને બાદ કરતા ચારેય લૂંટારૂએ ધોરણ 11 થી 12 ભણી અભ્યાસ છોડી દીધો હતો. સરેરાશ 19થી 20 વર્ષની ઉંમર ધરાવતા લબરમુછિયાએ ક્રાઇમપેટ્રોલ એપિસોડથી પ્રેરાઇને ગુનાને અંજામ આપ્યો હતો. મોટી લૂંટના ઈરાદે બેંકો તેમજ વિવિધ પેઢીઓમાં રેકી કરી હતી અને સૌથી વધુ રકમ લૂંટવા માટેનો પ્લાન બનાવ્યો હતો. લૂંટમાં વાપરેલી વાદળી કલરના વાહનની માહિતી આધારે પોલીસને લૂંટનો ભાંડો ફોડવા સરળતા મળી હતી.