ધરતીકંપ@ગુજરાત: અહી 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા, ગ્રામજનોમાં ભયનો માહોલ

 
Earthquake

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાએ લોકોના જીવ અધ્ધર કર્યા છે. 24 કલાકમાં અહીં 6 આંચકા આવતા ધરા ધ્રૂજી ઉઠી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકા અનુભવાતા ખાંભાના ભાડ ગામમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા ઓછી નોંધાઈ છે આમ છતાં વારંવાર આવતા આંચકાના કારણે લોકોમાં ડર પેસી ગયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે, ભૂકંપના કારણે તેમની રાતની ઊંઘ ઉડી ગઈ છે, લોકો ડરના કારણે રાત્રે ઘરની બહાર સૂઈ જવા માટે મજબૂર બન્યા છે.

અમરેલીના ખાંભામાં અનુભવાયેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.2 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નાના ધારી ઈંગોરાળા વિસ્તારમાં નોંધાઈ છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના ગામોમાં વારંવાર ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે. ગીરના જંગલના ગામડામાં સતત વધી રહેલા ભૂકંપના આંચકા લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમરેલીમાં અવારનવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે પરંતુ બે દિવસથી આ સંખ્યામાં વધારો થયો છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તિવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાંભા તાલુકાના ભાડ, વાકિયા, ઈંગોરાળા, નાની ધારી સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

24 કલાકમાં આવેલા 6 જેટલા આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે. અહીં ભૂકંપ આવે તો ઘરમાં મૂકેલા વાસણો ખખડવા લાગે છે, જમીન ધ્રૂજવા લાગે છે અને લોકો ઘરની બહાર દોડી આવે છે. ભૂકંપના ડરના કારણે રાત્રે ઊંઘ પણ ના આવતી હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. અહીં સતત ભારે કે હળવા આંચકા ચાલુ છે. ગ્રામજને જણાવ્યું કે પહેલા આવું નહોતું થતું પરંતુ 2-3 દિવસથી સતત ભૂકંપના આંચકા ડરાવી રહ્યા છે.