દર્દનાક@દાહોદ: વહેલી સવારે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત

 
Dahod

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં માર્ગ અકસ્માતની સતત ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે દાહોદમાં વધુ એક અકસ્માત થતા 6 લોકોના મોત થયા છે. ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે દાહોદ અલીરાજપુર હાઈવે પર MPથી દાહોદ તરફ જઈ રહેલી ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલી રીક્ષાની ધડાકાભેર ટક્કર થઈ હતી.

આ અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે રીક્ષામાં સવાર 6 લોકોના તો ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, તો બીજી તરફ રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત વહેલી સવારે થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળ પહોંચ્યા હતા. તો બીજી તરફ ગરબાડા પોલીસને પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલા અને બાળકોનો પણ સામેલ હતા.