રિપોર્ટ@વડોદરા: બોટ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, 6 શાળાઓની ઈમારત જોખમી હોવાનું ખૂલતાં કાર્યવાહી
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરામાં સર્જાયેલી દુ:ખદ હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં. આ દુર્ઘટનામાં સ્કૂલના માસૂમ બાળકો અને શિક્ષિકાઓના કરૂણ મોત નિપજ્યા હતા. જોકે આ ઘટના બાદ કોર્પોરેશનમાં અધિકારીઓ દોડતા થયા છે અને લોકોની સલામતી માટે ચકાસણીની શરૂઆત કરી છે.
વડોદરાની માધવરાવ ગોલવળકર મરાઠી શાળા સયાજી ગંજ, હેડગેવર પ્રાથમિકશાળા સૈયદ (વાસણા), રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા સૈયાદ (વાસણી), મહર્ષિ અરવિંદ શાળા સમા, રંગઅવધૂત શાળા અને મગનભાઈ પ્રાથમિક શાળા સહિતની 6 બિલ્ડિંગો જોખમી હોવાનો રિપોર્ટ આવ્યો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 6 શાળાઓના બિલ્ડીંગ જોખમી હોવાનું બહાર આવ્યું છે. આ શાળાઓને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આ બિલ્ડિંગો જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહિ તેવી નોટિસ ફટકારી છે. જોકે અત્યાર સુધી આ બાળકો જીવન જોખમે અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી છે.