ખળભળાટ@અરવલ્લી: કલેક્ટર મીણાના સમયમાં ડીએમએફની ગ્રાન્ટમાં 7 કરોડનું કૌભાંડ, ધારાસભ્યે કરી ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અરવલ્લી જિલ્લામાં ખાણખનીજ હેઠળ સરકારશ્રીને આવતી ડીએમએફની ગ્રાન્ટમાં ચોંકાવનારી હદે કૌભાંડ થયું હોવાનું ધારાસભ્યે શોધી મોટો ઘટસ્ફોટ કર્યો છે. કલેક્ટર મીણાના કાર્યકાળમાં જીલ્લા મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી થયેલા કામોમાં ખરીદ પધ્ધતિ બાબતે, ઠેકેદાર પસંદગી બાબતે અને જમીન ઉપર લાગેલી હલકી કક્ષાની વસ્તુઓ બાબતે બાયડ ધારાસભ્ય ધવલસિંહે 10 કરોડમાંથી 7 કરોડનું કૌભાંડ થયાનું જણાવ્યું છે. જેમાં એકની એક એજન્સીને કામ આપ્યું, એક શાળામાં ડબલ વસ્તુઓ લગાવી અને કેટલાક સ્થળોએ બજાર કિંમતથી 500 ગણાં વધારે ભાવો વળી વસ્તુઓ લગાવી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમય દરમ્યાન જેની જવાબદારી હતી તેવા કલેક્ટર તરીકે મીણા અને આયોજન અધિકારી તરીકે સુરેન્દ્ર ડાભી હતા. સમગ્ર મામલે હાલના આયોજન અધિકારીએ જણાવ્યું કે, તપાસ કરી કમિટીના ચેરમેનને ધ્યાને મૂકીશું.
અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસાથી સમગ્ર જિલ્લામાં થતાં વિકાસના કામોમાં સરકારી બાબુઓના કામો કેટલા પારદર્શક છે તેનો સૌથી મોટો ઘટસ્ફોટ બાયડ ધારાસભ્ય ધવલસિંહે કર્યો છે. નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન કલેક્ટર નરેન્દ્ર મીણાના ચેરમેન પદે અને સભ્ય સચિવ સુરેન્દ્ર ડાભીના સમયે ખાણખનીજ હેઠળ આવતી ડીએમએફની ગ્રાન્ટનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં અમલીકરણ કચેરી એવી જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરીએથી મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. હલકી ગુણવત્તાના આરઓ પ્લાન્ટ લગાવ્યા, એકબીજાને સાંઠગાંઠ વાળી એજન્સીઓ પાસેથી બજાર કિંમતથી અનેકગણા ભાવે ખરીદી કરવામાં આવી તેમજ જેમને બદલે ઈટેન્ડર કરી મોટા પ્રમાણમાં નાણાંકીય કૌભાંડ કર્યાની ફરિયાદ ખુદ ધારાસભ્યે કરી છે.
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૌભાંડ શોધવા જાણે સંશોધનની જેમ પુરાવાઓ એકત્રિત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં લાઈબ્રેરી, સ્માર્ટ ક્લાસ અને આર ઓ પ્લાન્ટની વસ્તુઓ બજારમાં કયા કિંમતે મળે તે જાણવાં પ્રથમ ભાવપત્રકો લીધા અને પછી ડીએમએફ કમિટીના ચેરમેન કમ કલેક્ટર મીણાએ અને સભ્ય સચિવ તરીકે ડાભીએ તત્કાલીન અમલીકરણ અધિકારીઓ મારફતે કેટલાં કિંમતે ખરીદી કરી અને હાલમાં સ્થળ ઉપર કરોડોની વસ્તુઓ કેવી સ્થિતિમાં છે તેનો અભ્યાસ કરી 7 કરોડનું કૌભાંડ થયાનો સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો છે.
આ બાબતે તત્કાલીન આયોજન અધિકારી ડાભીને પૂછતાં જણાવ્યું હતું કે, તપાસમાં જે સત્ય હશે તે બહાર આવશે. જ્યારે હાલના અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી ભટ્ટે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ કરી હાલના અરવલ્લી કલેક્ટરને ધ્યાને મૂકવાની વાત કરી છે.
શું કહ્યું બાયડ ધારાસભ્ય ધવલસિંહે ❓
આ બાબતે બાયડ ધારાસભ્ય ધવલસિંહે જણાવ્યું હતું કે, તત્કાલીન કલેક્ટર નરેન્દ્ર મીણાના કાર્યકાળમાં આ કૌભાંડ થયું હોવાથી સૌપ્રથમ અને પૂરેપૂરી જવાબદારી મીણાની થાય છે. આ મીણાએ અરવલ્લી જિલ્લામાં ગૌચર પણ વેચી મારી હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમગ્ર મામલે ફરિયાદ કરવાની છે.