મરણચીશો@રાધનપુર: જૂની જીપનુ ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો, ટ્રકને અથડાતાં 7 મુસાફરના મોત

 
Accident
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
 
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે આજે બપોરે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જીપમાં સવાર મજૂર વર્ગના 7 જેટલા લોકોના કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. પેસેન્જર તરીકે રાજસ્થાનના મજૂરોને લઈને થતી જીપનું ટાયર ફાટતાં ડ્રાઇવરનો કાબૂ રહ્યો નહોતો. આથી જીપ અચાનક આગળના ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેનાથી જીપનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી જતાં સ્થળ પર જ અનેક મુસાફરોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોએ અને તંત્રએ જાણ થતાની સાથે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી.
પાટણ જિલ્લાના રાધનપુરથી વારાહી તરફનો હાઇવે આજે મરણચીશોથી ભરાઇ ગયો હતો. આજે બપોરે જૂની જીપમાં પેસેન્જર તરીકે બેઠેલા મુસાફરોને સપને પણ ખ્યાલ નહીં હોય તેવી દુર્ઘટના બની છે. રાજસ્થાનના મજૂરો સહિતના પેસેન્જરો ભરીને જીપ મોટી પીપળી નજીક પહોંચી ત્યારે અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર જેવું ફાટ્યું એવું તુરંત સ્ટિયરિગ ડ્રાઇવરની કાબૂમાંથી નિકળી ગયું હતું. આ બેકાબૂ બનેલી જીપ ગણતરીની સેકન્ડમાં આગળના ટ્રકને ધડાકાભેર અથડાતાં કોલાહલ મચી ગયો હતો. ટ્રકને અથડાયા બાદ જીપ અંદર ઘૂસી જતાં આગળનો ભાગ ડૂચો વળી ગયો હતો. જેના કારણે જીપમાં સવાર 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ દોડધામ કરી બચાવ કામગીરી કરી હતી. જ્યારે પોલીસને જાણ થતાં મૃતકોના પંચનામા કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાથી મૃતકોના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયા નથી.