હડકંપ@સુરત: IT અધિકારી બની ઇસમે કારને આંતરી, પિસ્તોલ બતાવી રોકડા 8 કરોડની લૂંટ, જાણો અહીં

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના કતારગામ વિસ્તારની એક હીરા પેઢીના ચાર કર્મચારીઓ પેઢીની ઈકો કારમાં સેફમાં રોકડા રૂ.1.4 કરોડ ઉપાડવા ગયા હતા.પૈસા ઉપાડી તેઓ કારમાં પરત ઓફિસે આવતા હતા ત્યારે બપોરે 3.30 વાગ્યાના અરસામાં કતારગામ આશ્રમ રોડ ખાતે એક અજાણ્યાએ તેમની કાર અટકાવી હતી.તે વ્યક્તિ પોતાની ઓળખ ઈન્કમટેક્ષ અધિકારી તરીકે આપી કારમાં જ બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવવા કહી બાદમાં બે-બે કર્મચારીઓને વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા.ત્યાર બાદ તેણે ડ્રાઈવરના લમણે પિસ્તોલ મૂકી હતી અને રોકડ ભરેલી ઈકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો. રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પર જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઈમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી બનાવને પગલે તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે હીરા પેઢીના કર્મચારીઓની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થયો છે. ત્યારે લૂંટની રકમને લઈને સવાલો ઉભા થયા છે.

સ્થળ પર પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ ચારેય કર્મચારીઓને પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવી હતી અને તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી.બનાવને પગલે શહેરભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.જોકે પ્રાથમિક તપાસમાં બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે. ઈન્કમટેક્ષ અધિકારીના સ્વાંગમાં રોકડા રૂ.8 કરોડની પિસ્તોલની અણીએ લૂંટ કરનાર અજાણ્યો કારને વરીયાવ તરફ લઈ ગયો હતો અને ત્યાંથી રોકડ લઈ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. ઈન્કમટેક્ષ અધિકારી તરીકે ઓળખ આપી કાર અટકાવનાર લૂંટારુએ માથે ટોપી પહેરી હતી તેમજ મોઢા પર માસ્ક હતું. ઉપરાંત, તેના હાથમાં એક બેગ પણ હતી.