દુર્ઘટના@ચિખલી: નિર્માણાધીન ST ડેપોનો સ્લેબ તૂટી જતાં 8 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત સરકાર માંગ્યા મુજબનું ભંડોળ ફાળવીને લોકહીતના કામો કરી રહી છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનો શત્રુ સતાવી રહ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકો ઘાયલ થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીને 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઈજારો મળ્યો હતો, જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આઠ જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને ચીખલીની રેફરલ તથા આલીપર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે મજૂરોનું જીવ જોખમમાં મુકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી આપી છે.