કાર્યવાહી@મહેસાણા: 9 CHCમાં આરોગ્ય અધિકારીની રાત્રે સરપ્રાઈઝ વિઝિટ, તબીબો-સ્ટાફ "ઘેરહાજર" હોઇ નોટિસ

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લાના આરોગ્ય અધિકારીએ તાજેતરમાં એક્શન મોડમાં આવી રાત્રિ દરમ્યાન કેટલાક CHC સેન્ટરની મુલાકાત કરી હતી. વિગતો મુજબ આ દરમ્યાન 9 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વિઝિટમાં તબીબોની ગેરહાજરી સહિતની ક્ષતિઓ બહાર આવી હતી. આ તરફ હવે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ તમામ આરોગ્ય કેન્દ્રના અધિક્ષકોને નોટિસ ફટકારી છે. 

મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા એક્શન મોડમાં આવ્યા છે. તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ રાત્રિ દરમ્યાન મહેસાણા જિલ્લાના કુકરવાડા, ઉદલપુર, લાંઘણજ, નંદાસણ, કલ્યાણપુરા, થોળ, કહોડા, જોટાણા અને કોલવડા સહિત 9 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વિઝિટ કરી હતી. આ દરમ્યાન તબીબી અધિકારી અને સ્ટાફનર્સ નાઈટ ડ્યૂટીમાં ગેરહાજર હોઇ આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા ચોંકી ઉઠયા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ દરમ્યાન મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ હેડ ક્વાર્ટર પર હાજર જોવા મળ્યો નહોતો. આ સાથે હાજરીપત્રક મુજબ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની બાયોમેટ્રિક હાજરી નિયમિત ધોરણે પૂરાઈ ન હોવાનું પણ ખૂલ્યું હતું. તો સરકારે મૂકેલા પિડિયાટ્રીક્સ સહિત તજજ્ઞ ડોક્ટર ગેરહાજર, એજન્સીએ યુનિફોર્મ અને આઇડી કાર્ડ આપવા છતાં ફરજ દરમિયાન ન પહેરવો, હોસ્પિટલ અને લેબરરૂમમાં સ્વચ્છતા ન હોવી સહિતની ક્ષતિઓ સામે આવતા આરોગ્ય અધિકારી ચોંકી ઉઠયા હતા. જે બાદમાં હવે 9 સામુહિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ આપી ખુલાસો માંગતા હડકંપ મચી ગયો છે.