દુર્ઘટના@વડોદરા: રમતા-રમતા 2 વર્ષનો માસુમ પડ્યો ખાડામાં, ભારે જહેમતે બહાર તો નીકાળ્યો પણ.....

 
Vadodra

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હવે ખાડાઓ એટલા સામાન્ય થઈ ગયા છે કે જ્યાં સુધી કોઈ એમાં પડે નહીં કે જીવ ન ગુમાવે ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. એક હચમચાવી મૂકે એવી ઘટના વડોદરામાં બની છે જેના કારણે ફરીથી આ ખાડાઓને લઈને ચર્ચા જાગી છે.

વડોદરામાં બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો 2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. આ ઘટના સરસિયા તળાવ મંદિર નજીક બની હતી. ખાડાઓ અંગે બાળકોનું ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ આવો ઊંડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ હવે મહત્વનો સવાલ છે. કારણ કે એક બે વર્ષનો બાળક જેનું નામ અરુણ છે તે આ ખાડામાં પડ્યો હતો અને ત્યાર બાદ તેને બહાર કાઢવા માટે સ્થાનિકો સહિત તંત્ર ધંધે લાગી ગયું હતું.

સરસિયા તળાવ મંદિર નજીક બનેલી આ ઘટનામાં 2 વર્ષનો બાળક અરુણ રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. ત્યાર બાદ તંત્રને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ વિભાગ દોડી આવ્યો હતો અને કામગીરી શરૂ કરી દીધી હતી. જાણકારી મળી છે કે તેના માં બાપ મજૂરી કામ કરે છે. અને દીકરા સાથે બનેલ આ ઘટનાના કારણે તેઓ દુઃખ સાથે રોષની લાગણી અનુભવી રહ્યા છે.

ખાડામાં પડેલા બાળકને બચાવવા કામગીરી ચાલુ કરી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બાળકને ખાડામાંથી તો બહાર કાઢી લીધો હતો. પણ ત્યાર પછી બાળકની તબિયત અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બાળકને ખાડામાંથી કાઢવામાં આવ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકની હાલત કેવી છે તે તો હોસ્પિટલ વિભાગ જ કહી શકશે.