ચેતજો@અમદાવાદ: યુવતિની માયાજાળમાં ફસાયા મોટા ગજાના વેપારી, કરોડો વેર્યા બાદ આંખો ફાટી ગઈ

 
Honey Trap

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરવી બિઝનેસમેનને કરોડો રૂપિયામાં પડી છે. એક યુવતીએ બિઝનેસમેન સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી અને તેમને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપી વીડિયો-ક્લિપ બનાવી લીધી હતી. ત્યાર બાદ આ બિઝનેસમેનને બ્લેકમેઇલ કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ બિઝનેસમેને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

અમદાવાદના નવરંગપુરામાં રહેતા બિઝનેસમેને પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આઠમી ઓગસ્ટ 2022ના રોજ તેઓ પોતાના ઘરે હતા. રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ માટે અપીલ કરી હતી અને પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. જોકે આ બિઝનેસમેને તેને આવું કરવાની ના પાડી હતી, પરંતુ આ યુવતીએ બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવીને તેમનાં પણ કપડાં ઉતરાવ્યાં હતાં. આ વીડિયો કોલ એકાદ મિનિટ સુધી ચાલ્યો હતો અને બાદમાં યુવતીએ સામેથી કોલ કટ કરી દીધો હતો.

 

વૃદ્ધને આવેલા ફોનમાં સામે નિશા નામની કોઈ યુવતી હતી. તેણે વૃધ્ધને કહ્યું, હું તમારી સાથે ફોન સેક્સ કરવા માગુ છું. ઘણા લોકો સાથે ફોન સેક્સ કરું છું અને આટલું કહેતાં-કહેતાં નિશા પોતાનાં કપડાં ઉતારવા લાગી હતી. એક પછી એક શરીર પરથી કપડાં ઉતારી રહી હતી. આ સાથે નિશાના કહેવા પ્રમાણે વૃદ્ધે કપડાં ઉતારવા લાગ્યા. એક મિનિટ સુધી આ સમગ્ર વીડિયો કોલમાં બંને તરફથી કપડાં ઉતારતાં ગયાં અને વૃદ્ધે ને ખબર નથી કે, આ સમગ્ર વીડિયોનો સ્ક્રીન રેકોર્ડિંગ થઈ ગયું છે. થોડીવાર બાદ આ વીડિયો કોલની ક્લિપ આ બિઝનેસમેનને વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. યુવતીએ એને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પહેલા તો 50 હજારની માગ કરી હતી. જેથી આ બિઝનેસમેને ડરના માર્યા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. 

આ તરફ દિલ્હીથી પીઆઈ ગુડ્ડુ શર્માની ઓળખ આપીને અજાણ્યા નંબરથી આ બિઝનેસમેન પર ફોન આવ્યો હતો. તેણે પણ બિઝનેસમેન પાસેથી ફરિયાદની ધમકી આપી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદમાં એમ સતીષ નામની વ્યક્તિએ આ બિઝનેસમેનને ફોન કરીને એક લાખ માગ્યા. વીડિયો ગુડ્ડુ પાસેથી મળ્યો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી એક લાખ પડાવ્યા હતા. જોકે આ વૃદ્ધ કંઈક સમજે ત્યાં સુધીમાં દિલ્હી સાયબર ક્રાઈમના પોલીસ-ઇન્સ્પેક્ટર ગોસ્વામીની ઓળખ આપવામાં આવી. આ ફોનમાં સામેવાળાએ એવું કહ્યું કે, યુવતી જેની સાથે તમે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારું નામ આગળ ધર્યું છે. તમે આ કેસમાંથી બહાર નીકળવા માગતા હોવ તો રૂપિયા ટ્રાન્સફર કરી દો, નહીં તો તમારી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવી પડશે, એમ કહીને ફરિયાદી બિઝનેસમેન પાસેથી 80 લાખ 77 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.

આ સાથે અન્ય એક ઇસમે સીબીઆઇ ઓફિસર સંદીપ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વીડિયો-ક્લિપ તેમની પાસે છે. યુવતીના પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યા છે. જો તમારે કેસથી બચવું હોય તો હું કહું એ પ્રમાણે રૂપિયા આપવા પડશે, એમ કહીને રૂપિયા 18 લાખ 50 હજાર પડાવી લીધા હતા. જોકે આ ગઠિયાએ તો યુવતીની માતાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પર ફરિયાદ પરત ખેંચી લીધી હોવાનું એફિડેવિટ પણ વ્હોટ્સએપમાં મોકલી આપ્યું હતું. ત્યાર બાદ સીબીઆઈની ઓળખથી વધુ 29 લાખ 35 હજાર પડાવી લીધા હતાં.

આ સાથે સાથે 23મી નવેમ્બરે જયપુરથી અશોક નામની વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું હતું કે, તમારી ધરપકડ કરવા 12 માણસની ટીમ નીકળી ગઈ છે તેવું કહી, ફરિયાદી પાસેથી 19 લાખ 70 હજાર પડાવી લીધા હતાં. આ એક વીડિયો-ક્લિપ વાઈરલ કરવા અને અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદાં જુદાં બહાનાં હેઠળ ફરિયાદી બિઝનેસમેન પાસેથી રૂપિયા 2 કરોડ 69 લાખ 32 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા આપીને કંટાળેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.