ગંભીર@પંચમહાલ: કથિત 500 કરોડના સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડમાં હજુસુધી કમિટી બની નથી, તપાસ સચોટ થશે ?

Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

હાલોલ પંથકમાંથી સ્ટેમ્પ ડ્યુટી મામલે કથિત કૌભાંડની બૂમરાણ વચ્ચે તપાસની વાતો જ છે ? આ સવાલ આજે કલેક્ટર સાથેની વાતચીતમાં સામે આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર મેડમે કહ્યુ, 2 કેસની વિગતો કલેક્ટરને મોકલી આપી, તો કલેક્ટરે કહ્યું, મેડમ શું કહે એ મારો વિષય નથી. આ બંને વાતચીતમાં વિરોધાભાસ વચ્ચે તપાસ કમિટી પણ બની નથી. આજે બપોરે સવાલ પૂછતાં કલેક્ટર મયાત્રાએ જણાવ્યું કે, હવે કમિટી બનાવું છું. ખૂબ જ ગંભીર અરજી હોવા છતાં કાચબા ગતિએ ગંભીરતા હોવાનું સામે આવ્યું છે. જાણીએ રિપોર્ટ......

Panchmahal

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા સબ રજીસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી મામલે મોટાપાયે ગેરરીતિ આચરી કરોડોનું કૌભાંડ થતું હોવાની એક અરજી થઈ છે. કોઈ એક જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીએ અરજી કરી સનસનીખેજ આક્ષેપ સાથે રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે ગઈકાલે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર પારઘી મેડમે જણાવ્યું હતું કે, આવી કોઈ અરજી નથી કે એવા કોઈ નાગરિક નથી, કલેક્ટરને 2 કેસની વિગતો પણ આપી દીધી છે. હવે આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર મયાત્રાને પૂછતાં જણાવ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર જે કહે એ, હું કહું એ સાંભળો, તપાસ 2 કેસની નહિ પરંતુ પૂરેપૂરી થશે. આ વાતચીતમાં કમિટી બની ? કોણ સભ્યો? આ સવાલ કરતાં ચોંકાવનારો જવાબ મળ્યો હતો. કલેક્ટર મયાત્રાએ જણાવ્યું કે, કમિટી બનાવી રહ્યો છું. મતલબ અરજી મળ્યાને 24 કલાકથી પણ વધારે સમય વીતી જવા છતાં તપાસ કમિટીની રચના થઈ નહોતી કે તપાસ કેવી અને કઈ રીતે થશે તે પણ સત્તાવાર આવી શક્યું નથી. આવી સ્થિતિમાં સ્ટેમ્પ ડ્યુટી મામલે કરોડોના કથિત કૌભાંડમાં ઝડપી, પારદર્શક, નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતની તપાસ થશે ? આ સવાલ ખૂબ અગત્યનો બની ગયો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો સ્ટેમ્પ ડ્યુટી મામલે તપાસની શરૂઆતમાં થોડી પણ ગેરરીતિ મળી આવશે તો મામલો ખૂબ મોટો હોવાની પ્રબળ આશંકા બને છે. હવે આક્ષેપ મુજબ 500 કરોડ ના હોય તો 50 કરોડની પણ ગેરરીતિ મળી આવશે તો મોટા માથાઓ સામેલ હોવાનું શક્ય બને છે. હાલ તો દરેક બાબત સવાલ અને શક્યતા ઉપર છે ત્યારે સરકારની તિજોરીને નુકસાન બતાવતી ગંભીર આક્ષેપ વાળી અરજી ઉપર તાત્કાલિક અને સંપૂર્ણ પારદર્શક તપાસ ખૂબ મહત્વની બની છે.