દુર્ઘટના@સિદ્ધપુર: બહેનના ઘરે જમી દીકરીને ત્યાં જતાં દંપતીને બેફામ કારે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

 
Sidhdhpur

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર તરફ જવાના હાઈવે માર્ગ પર રવિવારની રાત્રે કારચાલકે દંપતીને અડફેટે લીધા હતા. જોકે આ ટક્કર એટલી ભયંકર હતી કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીની ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દરમ્યાન ચાલક પોતાનું વાહન ઈલેક્ટ્રીક સિમેન્ટ પોલ સાથે અથડાવી ધટના સ્થળે વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.

પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર તરફના હાઈવે માર્ગ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જ્યો હતો. શહેરના શાંતિનાથ સોસાયટીમાંથી બહાર નિકળી રહેલાં બાલીસણાનાં વતની અશ્વિનભાઈ જગન્નાથભાઈ જોષી ઉ.55 અને તેમના ધર્મપત્ની મીનાબેન અશ્વિનભાઈ જોષી ઉ.56ને કારચાલકે અડફેટે લેતા તેમનું મોત થયું છે.  

આ તરફ રાત્રે બનેલાં અકસ્માતની જાણ પોલીસ તંત્રને થતા તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. આ સાથે મૃતકના પરિવારજનોએ જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોકે આ મામલે મૃતકના જમાઈ સતિષભાઈ ઠક્કરની ફરિયાદને આધારે વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કવાયત હાથ ધરી છે. 

દીકરીની તબિયત પૂછવા સિધ્ધપુર આવ્યા દંપતી, બહેનના ઘરેથી જમીને નીકળ્યા અને.... . 

સૂત્રો મુજબ આ મૃતક દંપતી છેલ્લા છેલ્લા કેટલાક દિવસથી પોતાની દીકરીની નાદુરસ્ત તબીયતને કારણે તેણીનાં નિવાસ સ્થાને રહેતાં હતાં. આ દરમ્યાન ગઇકાલે સાંજે સિદ્ધપુર હાઈવે પર આવેલ શાંતિનાથ સોસાયટી રહેતા પોતાની બહેનને મળવા ગયાં હતાં અને જમીને રાત્રે પરત પોતાની દીકરીને ત્યાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.